Ankleshwar Fire News: હોટલ રૂચિના કિચનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે સમયસર આગ પર કાબૂ મેળવ્યો

Ankleshwar Fire News: અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ પર આવેલી જાણીતી હોટલ રૂચિમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 31 Oct 2026 05:41 PM IST
Ankleshwar Fire News: હોટલ રૂચિના કિચનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે સમયસર આગ પર કાબૂ મેળવ્યોAnkleshwar Fire News: હોટલ રૂચિના કિચનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે સમયસર આગ પર કાબૂ મેળવ્યો

Ankleshwar Fire News

Ankleshwar Fire News: અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ પર આવેલી જાણીતી હોટલ રૂચિમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. હોટલના કિચન વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કિચનમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસૂચક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

હોટલમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર આવવા લાગ્યા

મળતી માહિતી અનુસાર, ગતરોજ વહેલી સવારે આશરે 7 વાગ્યાના સુમારે હોટલ રૂચિના કિચન વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હોટલમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર આવવા લાગ્યા હતા. સ્ટેશન રોડ જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં આગની ઘટના બનતાં આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે

ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, હોટલના કિચન વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ફાયર વિભાગ અને પોલીસની સમયસૂચક કામગીરીને કારણે આગ હોટલની આસપાસ આવેલી દુકાનો અને રહેણાક મકાનો સુધી પ્રસરતી અટકી હતી. સૌથી રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાને પગલે હોટલના કિચન વિસ્તારમાં નુકસાન થયું હોવાની શક્યતા છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણ અને નુકસાન અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.

આ પણ વાંચો: Surat News: નકલી પોલીસ બની ખંડણી વસૂલતા 4 આરોપી ઝડપાયા, ફરિયાદીનું અપહરણ કરી પડાવ્યા રૂપિયા 4 લાખ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.