Ankleshwarના સુરવાડીમાં કોપર ચોર ગેંગનો આતંક! CCTV સામે જ ટ્રાન્સફોર્મર તોડી ચોરી



Ankleshwar Copper Theft Gang
Ankleshwarના સુરવાડીમાં કોપર ચોર ગેંગનો આતંક! CCTV સામે જ ટ્રાન્સફોર્મર તોડી ચોરી



Ankleshwar Copper Theft Gang
Ankleshwar Copper Theft Gang: અંકલેશ્વરના સુરવાડી ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં ટ્રાન્સફોર્મર (TC) તેમજ ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોવાના આક્ષેપો વચ્ચે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, એક જ અઠવાડિયામાં બીજી વખત ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપરની ચોરી કરવામાં આવી છે. ચોરીની તાજેતરની ઘટનામાં તસ્કરો ખેતરમાં લાગેલા CCTV કેમેરાની સામે જ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હથિયારો સાથે ગેંગ આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, કોપર ચોર ટોળકી ધારદાર હથિયારો અને લોખંડના ભારે સાધનો સાથે આવે છે. અગાઉ પણ સુરવાડીની સીમ વિસ્તારમાં ચોરીનો વિરોધ કરનારા ખેડૂતો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ટ્રાન્સફોર્મરની ચોરી અથવા નુકસાન બાદ નવું ટ્રાન્સફોર્મર લગાવવામાં લાંબો સમય લાગતો હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વીજ પુરવઠો ખોરવાતા ખેતરમાં પાકને પૂરતું પાણી ન મળવાથી પાકને નુકસાન થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ખેડૂતોમાં ભય, પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ
પીડિત ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે સુરવાડી ગામ અને સીમ વિસ્તારમાં કોપર ચોરોનો લાંબા સમયથી આતંક હોવાનો આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ ખેડૂતો સહિત 4થી 5 લોકો પર હુમલા થયાની ઘટનાઓ બની છે. ગ્રામજનોનું કહેવું છે કે ટ્રાન્સફોર્મર તૂટી જાય ત્યારબાદ નવું TC લગાવવામાં લાંબો સમય લાગી શકે છે, જેના કારણે સિંચાઈ પર આધારિત પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાય છે.

માજી સરપંચે 2018ની ઘટના યાદ કરી
સુરવાડી ગામના માજી સરપંચ જસવંત પટેલે 2018ની ઘટના અંગે જણાવ્યું હતું કે તેમના ઘર આગળ ત્રણ ટ્રાન્સફોર્મર હતા ત્યારે ચોરોની ગેંગ આવી હતી. તેમના જણાવ્યા મુજબ, ગેંગે તેમને અને તેમના પરિવારને રૂમમાં બંધક બનાવ્યા હતા અને માર મારી લૂંટ ચલાવી હતી. જસવંત પટેલના જણાવ્યા મુજબ, આ ઘટનામાં તેઓ સાત દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 10થી 15 વર્ષથી આવી ઘટનાઓનો સિલસિલો ચાલતો હોવાનો તેમનો આક્ષેપ છે. તેમણે પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની ઘટનાઓ પર તાત્કાલિક અંકુશ લાવવાની માંગ કરી છે.

CCTV ફૂટેજના આધારે કાર્યવાહી કરવાની માંગ
ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પોલીસ તથા વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમ છતાં ચોરીની ઘટનાઓ ચાલુ હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે સુરવાડી ગામ તેમજ આસપાસના સીમ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે, CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવામાં આવે અને ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલની ઘટનાને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ છે અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને ચોર ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





