Get News Alerts

Never miss breaking news updates.

Ankleshwarમાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી ₹15 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો, સુરતથી 3 ઝડપાયા

Ankleshwar Senior Citizen Theft Case: અંકલેશ્વરના પીરામણનાકા પાસેથી સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને ₹15 હજારની ચોરી કરવાના કેસમાં અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી સુરતથી ત્રણ...
R Gajjar
R GajjarUpdated on: 25 Sep 2026 02:24 PM IST
Ankleshwarમાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી ₹15 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો, સુરતથી 3 ઝડપાયાAnkleshwarમાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી ₹15 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો, સુરતથી 3 ઝડપાયા

Ankleshwar Senior Citizen Theft Case

Ankleshwar Senior Citizen Theft Case: અંકલેશ્વરના પીરામણનાકા પાસેથી સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને ₹15 હજારની ચોરી કરવાના કેસમાં અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી સુરતથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી રોકડ રકમ, રિક્ષા અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ₹91 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રિક્ષામાં બેસાડ્યા બાદ વૃદ્ધનું ધ્યાન ભટકાવ્યું

પોલીસ ફરિયાદ મુજબ, 23 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે 12 વાગ્યે એક વૃદ્ધ પીરામણનાકા પાસેથી ઘરે જવા માટે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષાચાલકે તેમને રિક્ષામાં બેસાડ્યા હતા. થોડે દૂર ગયા બાદ રિક્ષાચાલકે ‘આગળ પોલીસ ચેકિંગ છે’ તેમ કહી આગળ બેઠેલા એક ઇસમને પાછળ વૃદ્ધની બાજુમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ રિક્ષામાં બેઠેલા બે ઇસમોએ ‘સરખી રીતે બેસાતું નથી’ તેમ કહી વૃદ્ધને ચાલુ રિક્ષામાં બે વખત ઊભા કર્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ દરમિયાન વૃદ્ધનું ધ્યાન ભટકાવી તેમના ખિસ્સામાંથી ₹15 હજારની રોકડ રકમ કાઢી લીધી હોવાનો આક્ષેપ છે.

ભાડું લીધા વગર રિક્ષા ભગાવી, વૃદ્ધને શંકા ગઈ

સેલારવાડ મસ્જિદ પાસે વૃદ્ધે રિક્ષા ઊભી રખાવી નીચે ઉતર્યા હતા. આ સમયે રિક્ષાચાલક ભાડું લીધા વગર જ રિક્ષા ભગાવી ગયો હતો. જેથી વૃદ્ધને શંકા જતા તેમણે રિક્ષાનો નંબર GJ-05-CV-9933 નોંધી લીધો હતો અને અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

CCTV અને હ્યુમન ઈન્ટેલિજન્સથી સુરત સુધી તપાસ

ફરિયાદ મળ્યા બાદ ભરૂચ એસપી અક્ષય રાજની સૂચના અને ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ‘એ’ ડિવિઝન પીઆઈ પી.બી. ચાવડાએ સરવેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન પોલીસ ટીમ સુરત સુધી પહોંચી હતી અને ત્યાંથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ત્રણ આરોપીઓની ધરપકડ

પોલીસે આ કેસમાં સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ઇન્તેજ્યાર ઉર્ફે નૈયા નિસાર લુકમાન સૈયદ (ઉં.વ. 32), સલાબતપુરામાં રહેતા બિલાલ મુસ્તાક પટેલ (ઉં.વ. 33) અને સચિન GIDC વિસ્તારમાં રહેતા અનિસખાન કરીમ ખાન પઠાણ (ઉં.વ. 34)ની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસેથી:

  • રોકડ રકમ: ₹15,000

  • રિક્ષા: ₹70,000

  • મોબાઈલ ફોન: 3, કિંમત ₹6,000

  • મળી કુલ ₹91,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે રોકડ રકમની 100 ટકા રિકવરી થયાનો દાવો કર્યો છે.

સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી હોવાનો પોલીસનો દાવો

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ ખાસ કરીને સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરતી હોવાની માહિતી સામે આવી છે. રિક્ષામાં મુસાફરને બેસાડ્યા બાદ તેનું ધ્યાન ભટકાવી, બેસવાની જગ્યા ઓછી હોવાનું બહાનું બનાવી ખિસ્સા અથવા પર્સમાંથી રોકડ રકમ ચોરી લેવાની મોડસ ઓપરેન્ડી હોવાની પોલીસને આશંકા છે. હાલ આ મામલે PSI એન.આર. પાથર વધુ તપાસ કરી રહ્યા છે. ઝડપાયેલા આરોપીઓ અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેમજ તેમની સાથે કોઈ સંગઠિત ગેંગ કાર્યરત છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]