અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાને લઈને રિક્ષા ચાલકોનો વિરોધ, તંત્ર સામે ભારે આક્રોશ

Ankleshwar Chauta Naka Road: શહેરના ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગની બિસ્માર હાલતને લઈને સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયાને 7...
Rupin Bakraniya
Rupin Bakraniya
Ankleshwar Chauta Naka RoadAnkleshwar Chauta Naka Road

Ankleshwar Chauta Naka Road

Ankleshwar Chauta Naka Road: શહેરના ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગની બિસ્માર હાલતને લઈને સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયાને 7 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રસ્તાનું કાયમી નવીનીકરણ ન થતાં રિક્ષા ચાલકોએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો.

ચૌટા નાકા પમ્પિંગ સ્ટેશનથી નોબરીયા સ્કૂલના નાકા સુધી જીયુડીસી દ્વારા ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. જોકે, કામગીરી બાદ રસ્તો યોગ્ય રીતે બનાવવામાં ન આવતાં ખાડા અને ઉબડખાબડ માર્ગના કારણે વાહનચાલકો તથા સ્થાનિકોને રોજિંદી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ ગણેશજીની શોભાયાત્રા અને વિસર્જન માટેનો મહત્વનો માર્ગ છે. ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે રસ્તો સત્વરે રિપેર કરવામાં નહીં આવે તો શોભાયાત્રા દરમિયાન મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ બિસ્માર રસ્તાના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનો ભય પણ સતત રહે છે. સ્થાનિક રહીશોએ તંત્રને માત્ર માટી પુરાણ કે થીગડાં મારવાને બદલે કાયમી ધોરણે રસ્તાનું નવીનીકરણ કરવાની માંગ કરી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ માત્ર ચૌટા નાકા જ નહીં, પરંતુ નવીનગરી ગુરુદ્વારા રોડ અને નવીનગરી ચોકડીથી પીઠ ફળિયા પેટ્રોલ પંપ સુધીના માર્ગની પણ ડ્રેનેજ કામગીરી બાદ આવી જ સ્થિતિ છે. વિવિધ સરકારી વિભાગો વચ્ચેની ખેંચતાણનો ભોગ અંતે પ્રજા બની રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

રાજીનામાની ચીમકીનું શું થયું?

સ્થાનિકોમાં ચર્ચા છે કે અગાઉ આ કામગીરી દરમિયાન સત્તાધારી પક્ષના એક સ્થાનિક સભ્યએ ત્રણ મહિનામાં રસ્તો નહીં બને તો રાજીનામું આપવાની ચીમકી આપી હતી. જોકે, ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ 7 મહિનાથી વધુ સમય વીતી ગયો છે અને રસ્તાની સ્થિતિમાં કોઈ મોટો સુધારો થયો નથી. જેને લઈને હવે સ્થાનિકો રાજકીય નેતાઓ અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.