Bharuch News: ભરૂચમાં બાળલગ્ન નાબૂદીની 100 દિવસની ઝુંબેશનો પ્રારંભ, કેલોદથી બાળલગ્ન મુક્ત રથ રવાના


બાળલગ્ન નાબૂદીની 100 દિવસની ઝુંબેશ શરૂ
Bharuch News: ભરૂચમાં બાળલગ્ન નાબૂદીની 100 દિવસની ઝુંબેશનો પ્રારંભ, કેલોદથી બાળલગ્ન મુક્ત રથ રવાના


બાળલગ્ન નાબૂદીની 100 દિવસની ઝુંબેશ શરૂ
Bharuch News: ભરૂચ જિલ્લામાં બાળલગ્ન નાબૂદી અને લોકજાગૃતિ માટે 100 દિવસની વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) દ્વારા ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ભરૂચ તાલુકાના કેલોદ ગામેથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. બાળ, નાની ઉંમરે અને બળજબરીથી થતા લગ્ન નાબૂદી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે બાળલગ્ન મુક્ત રથને મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભવિષ્ય પર થતી વિપરીત અસરો અંગે સમજણ આપવામાં આવી
કેલોદ ગામના મુનિ મહારાજ મંદિર ખાતે DLSAના સચિવ પી.પી. મોકાશીના અધ્યક્ષસ્થાને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓ, બાળાઓ અને ગ્રામજનોને બાળલગ્ન કાયદાકીય અપરાધ હોવાની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ બાળલગ્નના કારણે બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય પર થતી વિપરીત અસરો અંગે સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન DLSA સચિવ પી.પી. મોકાશીએ બાળલગ્ન મુક્ત સમાજના નિર્માણ માટે કાયદાકીય જાગૃતિ અને સામાજિક સહયોગ જરૂરી હોવાનું જણાવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મેહુલ તેરયા, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી રાજેશ દેસાઈ, CWC ચેરમેન પિનાકીન કંસારા અને ગ્રામ વિકાસ ટ્રસ્ટના જનકસિંહ મોરી સહિતના મહાનુભાવોએ પણ બાળલગ્ન અટકાવવા સમાજના દરેક વર્ગને આગળ આવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને બાળલગ્ન અટકાવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
100 દિવસ ઝુંબેશ ચાલશે
આ અભિયાન જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રામ વિકાસ ટ્રસ્ટ (GVT) અને જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રનના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. 100 દિવસની આ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં શેરી નાટકો, રેલીઓ, સૂત્રોચ્ચાર અને શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. બાળલગ્ન કાયદાકીય અપરાધ છે અને બાળકોના અધિકારોનું ઉલ્લંઘન છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ સમાજમાં બાળલગ્ન પ્રથા નાબૂદ કરી બાળકોને સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડવાનો છે.
આ પણ વાંચો: Himmatnagar News: સરદાર પટેલ સેવાદળનો સેવાયજ્ઞ, કેન્સરગ્રસ્ત મહેશભાઈના પરિવારને રૂપિયા 34.12 લાખની કરી સહાય




