Aravalli Traffic Problem: મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વકરી, 108 એમ્બ્યુલન્સ 15 મિનિટ સુધી ફસાઈ

Aravalli: મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાંજના સમયે રસ્તા પર વાહનોનો જમાવડો થતાં લાંબી કતારો લાગે છે.
Kunjan Shukla
Aravalli Modasa Traffic Problem NewsAravalli Modasa Traffic Problem News

Aravalli Modasa Traffic Problem News

Aravalli Traffic Problem: મોડાસા શહેરના ચાર રસ્તા પર ટ્રાફિકની ગંભીર સમસ્યાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સાંજના સમયે રસ્તા પર વાહનોનો જમાવડો થતાં લાંબી કતારો લાગી જાય છે. ટ્રાફિકની આ સમસ્યાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ લગભગ 15 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાઈ રહી હતી.

વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો

મળતી માહિતી મુજબ, મોડાસા ચાર રસ્તાથી શામળાજી રોડ પર GEB નજીક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી. દર્દીને સમયસર સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સને રસ્તો ન મળતાં આશરે 15 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સને પણ રસ્તો ન મળવો એ શહેરની ટ્રાફિક વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે. નવીન બસ સ્ટેન્ડથી શામળાજી ડીપ રોડ સુધી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને ચાર રસ્તા પર વાહનોની અવરજવર વધી જતાં વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે.

ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન

આશ્ચર્યની વાત એ છે કે મોડાસા ચાર રસ્તા પર જ પોલીસ ચોકી આવેલી છે, તેમ છતાં પોલીસ ચોકીની સામે જ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. બીજી તરફ, નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ અને અમલ થતો ન હોવાના સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે આ સિગ્નલો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

ટ્રાફિકની સમસ્યાને કારણે સામાન્ય વાહનચાલકોની સાથે ઈમરજન્સી સેવાઓને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે મોડાસા શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે પોલીસ અને નગરપાલિકા તંત્ર ક્યારે નક્કર પગલાં લેશે તેવો સવાલ નાગરિકોમાં ઉઠી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અસરકારક આયોજન અને કડક અમલની જરૂરિયાત છે.

આ પણ વાંચો: Gandhidham News: પૂર્વ કચ્છમાં SOGની કાર્યવાહી, ગાંધીધામમાંથી 26 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો