Shamlaji Murder : ગાળો બોલવા જેવી બાબતે પિતરાઈ ભાઈએ યુવકને માર્યો માર, સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો


Shamlaji Murder શામળાજીમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા
Shamlaji Murder : ગાળો બોલવા જેવી બાબતે પિતરાઈ ભાઈએ યુવકને માર્યો માર, સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો


Shamlaji Murder શામળાજીમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા
Shamlaji Murder : સોનાસણ ગામમાં પિતરાઈ ભાઈએ યુવકને ગડદાપાટુનો માર મારતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન યુવકનું મોત થતાં પોલીસે હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સોનાસણ ગામના સુરેશભાઈ ડોડીયારના ઘરની પાછળ આવેલા રસ્તા પર ગત 12 નવેમ્બરના રોજ સાંજના સમયે તેમના ભાઈ અશ્વિનભાઈ ડોડીયાર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના કાકાનો દીકરો મુકેશભાઈ સુરમાભાઈ ડોડીયાર ત્યાં આવ્યો હતો. મુકેશે અશ્વિનને 'કેમ મને ગાળો બોલે છે' તેમ કહી ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.
આરોપીએ મોઢાના ભાગે ઢોર માર માર્યો હતો
બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા મુકેશભાઈએ અશ્વિનભાઈના મોઢા, માથા અને શરીરના અન્ય ભાગો પર ગડદાપાટુનો બેફામ માર માર્યો હતો. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોને જોઈ આરોપી પોતાની લાલ રંગની પલ્સર બાઈક લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા અશ્વિનભાઈના મોઢા અને કાનમાંથી લોહી નીકળતું હોવાથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શામળાજી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બનાવના બીજા દિવસે, 13 નવેમ્બરના રોજ ગામના આગેવાનો અને કુટુંબીજનોની હાજરીમાં સમાધાનની બેઠક યોજાઈ હતી. જેમાં આરોપી મુકેશભાઈએ પોતાની ભૂલ સ્વીકારી સારવારનો ખર્ચ આપવાની ખાતરી આપી હતી. આથી પરિવારે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
સારવાર દરમિયાન મૃતકનું મોત
જોકે, અશ્વિનભાઈની તબિયત વધુ ગંભીર બનતાં તેમને વધુ સારવાર માટે ભિલોડા, હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 14 નવેમ્બરના રોજ તેમના માથાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ભાનમાં આવ્યા નહોતા. આખરે 17 નવેમ્બરના રોજ સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અશ્વિનભાઈએ દમ તોડ્યો હતો.
યુવકના મોતના સમાચાર મળતાં આરોપી મુકેશભાઈ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, શામળાજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને જેલહવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




