Get News Alerts

Never miss breaking news updates.

Aravalli : મેઘરજાના ઈસરી ગામે રાત્રિના સમયે ચોરોનો હાથફેરો, 5 મકાનને બનાવ્યા ટાર્ગેટ

Aravalli : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. ઈસરી ગામે એક જ રાતમાં પાંચ જેટલા રહેણાંક મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા.
Kunjan ShuklaUpdated on: 27 Sep 2026 02:28 PM IST
Aravalli : મેઘરજાના ઈસરી ગામે રાત્રિના સમયે ચોરોનો હાથફેરો, 5 મકાનને બનાવ્યા ટાર્ગેટAravalli : મેઘરજાના ઈસરી ગામે રાત્રિના સમયે ચોરોનો હાથફેરો, 5 મકાનને બનાવ્યા ટાર્ગેટ

Aravalli

Aravalli : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. નવાગામ (ઈસરી) ગામે એક જ રાતમાં પાંચ જેટલા રહેણાંક મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા હોવાની માહિતી સામે આવી છે. રાત્રિના અંધકારનો લાભ લઈ ચોરોએ એક બાદ એક મકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

રહેણાંક મકાનોને ટાર્ગેટ કર્યા

મળતી માહિતી મુજબ, ચોરોએ નવાગામ (ઈસરી) ગામમાં આવેલા રહેણાંક મકાનોને ટાર્ગેટ કર્યા હતા. ઘરમાલિકોના જણાવ્યા અનુસાર, ઘરમાંથી અનાજ, રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. ચોરી થયેલી વસ્તુઓમાં ચાંદીના છરા, આશરે ₹7,200ની રોકડ રકમ અને સોનાની ચુની સહિતની કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો

ચોરીની ઘટના બાદ જ્યારે ઘરમાલિકોને સમગ્ર મામલે જાણ થઈ ત્યારે તેમણે ઘરમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ચોરો દ્વારા ઘરમાંથી લઈ જવામાં આવેલી કપડાની પેટીઓ અને કેટલાક કપડાં ખેતરમાંથી મળી આવ્યા હતા. જેના પગલે ચોરોએ ચોરી કર્યા બાદ આ સામાન નજીકના ખેતરમાં લઈ જઈ પેટીઓ ખોલી તપાસ કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક જ રાતમાં પાંચ જેટલા મકાનોમાં ચોરીની ઘટના સામે આવતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માગ કરી છે.

મુદ્દામાલ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા

સમગ્ર ઘટનાની જાણ ઘરમાલિકો દ્વારા ઈસરી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. જાણ મળ્યા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ચોરીના બનાવ અંગે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ચોરો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે પોલીસ તપાસ બાદ ચોરીની ચોક્કસ રકમ અને ચોરાયેલા મુદ્દામાલ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનની થાળીમાં જીવાત જોવા મળી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.