અરવલ્લીમાં 8 મહિનામાં ₹28 કરોડનો દારૂ ઝડપાયો, 4,278 કેસમાં 4,457 આરોપીઓ સામે કાર્યવાહી

Aravalli Liquor Seizure: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા અરવલ્લી જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલ માટે પોલીસે વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે.
Rupin Bakraniya
Rupin Bakraniya
Aravalli Liquor SeizureAravalli Liquor Seizure

Aravalli Liquor Seizure

Aravalli Liquor Seizure: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા અરવલ્લી જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલ માટે પોલીસે વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા આઠ મહિનામાં અરવલ્લી જિલ્લામાં રૂ.28 કરોડથી વધુનો દારૂ ઝડપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ 4,278 પ્રોહિબિશન કેસ નોંધવામાં આવ્યા છે અને 4,457 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

96 મોટા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી

પોલીસની કાર્યવાહી દરમિયાન આઠ મહિનામાં 96 મોટા પ્રોહિબિશન કેસ નોંધાયા છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તાર હોવાથી અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે બોર્ડર વિસ્તારથી લઈને વિવિધ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને રતનપુરથી ઝાંઝરી ચેકપોસ્ટ સુધીના વિસ્તારમાં પોલીસની સક્રિયતા વધારવામાં આવી છે. વાહનોનું ચેકિંગ, શંકાસ્પદ હિલચાલ પર નજર અને બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ સહિતની કામગીરી સતત ચાલી રહી છે.

બોર્ડર અને ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક તપાસ

દારૂની હેરાફેરી અટકાવવા માટે અરવલ્લી પોલીસ દ્વારા બોર્ડર વિસ્તાર તેમજ મુખ્ય ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોની પણ સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીને કારણે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

છેલ્લા 3 દિવસમાં 170 પ્રોહિબિશન કેસ

ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં દારૂ અને નશીલા પદાર્થો સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. અરવલ્લી જિલ્લામાં પણ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 170 પ્રોહિબિશન કેસ નોંધવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં આશરે રૂ.2.87 લાખના દારૂના જથ્થા સાથે 38 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

દારૂની હેરાફેરી સામે પોલીસનું સઘન ચેકિંગ

અરવલ્લી જિલ્લો ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલો હોવાથી અહીંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી થતી અટકાવવા પોલીસ માટે સતત પડકાર રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડર વિસ્તાર, ચેકપોસ્ટ અને દારૂની હેરાફેરી માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આઠ મહિનામાં થયેલી કરોડોની દારૂની જપ્તી અને હજારો કેસ પરથી સ્પષ્ટ થાય છે કે અરવલ્લી પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ માટે વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દારૂબંધીના કાયદાના અમલ પર પોલીસનું ફોકસ

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલને લઈને પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. અરવલ્લીમાં પણ પોલીસ દ્વારા આગામી દિવસોમાં દારૂની હેરાફેરી અને વેચાણ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.