Anand News: મેયરના ઘર નજીક તળાવમાં અસંખ્ય માછલીઓના મોત, ગંદકી અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

Anand News: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા લાંભવેલ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓનાં મોત થતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે.
Kunjan Shukal
Kunjan Shukal
lambhvel lake mass fish deathslambhvel lake mass fish deaths

lambhvel lake mass fish deaths

Anand News: આણંદમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે તળાવની દયનીય સ્થિતિ સામે આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા લાંભવેલ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓનાં મોત થતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે. ખાસ વાત એ છે કે આ તળાવ મહાનગરપાલિકાના મેયરના ઘર નજીક આવેલું હોવાનું જણાવાય છે, છતાં અહીં ગંદકી અને મૃત માછલીઓના ઢગલા જોવા મળી રહ્યા છે.

તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય

તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતાં પાણીની ગુણવત્તા અને પ્રદૂષણ અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે અને મૃત માછલીઓમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ લોકોમાં જોવા મળી રહી છે.

પાણીના નમૂનાની તપાસ જરૂરી બની

માછલીઓના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પાણીમાં પ્રદૂષણ, ઓક્સિજનની અછત અથવા અન્ય કારણો જવાબદાર છે કે કેમ તે જાણવા પાણીના નમૂનાની તપાસ જરૂરી બની છે. જોકે, તળાવની હાલતને લઈને મહાનગરપાલિકાના સફાઈ વિભાગની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.

સ્થાનિક લોકો મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવા, તળાવની સફાઈ કરાવવા અને પાણીની ગુણવત્તાની તપાસ કરવાની માગ કરી રહ્યા છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરે તેવી પણ માગ છે. મેયરના ઘર નજીક જ જો તળાવની આવી હાલત હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ કેવી હશે તેવો સવાલ પણ નાગરિકો ઉઠાવી રહ્યા છે. હવે મહાનગરપાલિકા આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: Ahmedabad Fire: નિર્ણયનગર અંડરપાસ પાસે આગની ઘટના, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો