Anand News: ખંભાતમાં પ્રેમસંબંધના વહેમમાં પિતાએ કરી 21 વર્ષીય દીકરીની હત્યા! પોલીસે આરોપી પિતાની કરી ધરપકડ

Anand News: દીકરીના પ્રેમસંબંધથી નારાજ પિતાએ પોતાની જ 21 વર્ષીય પુત્રીની દુપટ્ટાથી ગળું ભીંસીને હત્યા કરી નાખી હતી. દિવાળીની રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Kunjan Shukal
Kunjan Shukal
Anand NewsAnand News

Anand News

Anand News: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. દીકરીના પ્રેમસંબંધથી નારાજ પિતાએ પોતાની જ 21 વર્ષીય પુત્રીની દુપટ્ટાથી ગળું ભીંસીને હત્યા કરી નાખી હતી. દિવાળીની રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હત્યા કર્યા બાદ આરોપી પિતાએ ઘટનાને આત્મહત્યા ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

યુવતીને ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હતો

મળતી માહિતી મુજબ, મેતપુર ગામની યુવતીને ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ તેના પિતાને થતાં તેમણે દીકરી પર યુવક સાથેનો સંબંધ તોડી નાખવા દબાણ કર્યું હતું. જોકે, દીકરી પિતાની વાત માનવા તૈયાર નહોતી અને યુવક સાથે ફોન પર વાતચીત ચાલુ રાખતી હતી. આ બાબતને લઈને પિતા સતત નારાજ રહેતા હતા. આખરે દિવાળીની રાત્રે આ મામલે પિતાએ ખૌફનાક પગલું ભર્યું હતું. મધરાતે આશરે 3 વાગ્યાના સુમારે રસોડામાં પોતાની 21 વર્ષીય દીકરીનું દુપટ્ટા વડે ગળું ભીંસીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આરોપી પિતાએ સમગ્ર બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો

હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પિતાએ સમગ્ર બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તપાસ દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસને હત્યાની આશંકા વધુ મજબૂત બની હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરીને પિતાને કસ્ટડીમાં લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ દીકરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે.

આ પણ વાંચો: Bhavnagar News: બગદાણા નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 70 વર્ષીય વૃદ્ધનું મોત