Savarkundla Swadeshi Fair: રૂપિયા 10 લાખના સ્વદેશી મેળા સામે સવાલો, સુવિધાઓના અભાવે વેપારીઓ પરેશાન


Savarkundla Swadeshi Fair
Savarkundla Swadeshi Fair: રૂપિયા 10 લાખના સ્વદેશી મેળા સામે સવાલો, સુવિધાઓના અભાવે વેપારીઓ પરેશાન


Savarkundla Swadeshi Fair
Savarkundla Swadeshi Fair: દિવાળીના તહેવારો દરમિયાન સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે સાવરકુંડલા નગરપાલિકા અને ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પાલિકા ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'સ્વદેશી મેળો' વિવાદમાં સપડાયો છે. આશરે રૂપિયા 10 લાખના ખર્ચે યોજાયેલા આ મેળામાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપો સાથે વિરોધ પક્ષે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ અંગે સવાલો ઉઠાવ્યા છે.
નગરપાલિકાના મીટરમાંથી સીધું વીજ જોડાણ આપવામાં આવ્યું
સાવરકુંડલા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કમલભાઈ દવેએ મેળાની મુલાકાત લઈને આયોજન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, કુલ આશરે 44 સ્ટોલમાંથી 10થી 15 સ્ટોલ ખાલી પડ્યા છે. મહિલાઓ માટે શૌચાલયની વ્યવસ્થા ન હોવા ઉપરાંત પીવાનું પાણી, ભોજન અને અન્ય પાયાની સુવિધાઓમાં પણ ખામીઓ જોવા મળી રહી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે નિયમ મુજબ અલગ વીજ જોડાણ અથવા સબ-મીટરની વ્યવસ્થા કરવાને બદલે નગરપાલિકાના મીટરમાંથી સીધું વીજ જોડાણ આપવામાં આવ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે વોટરપ્રૂફ ડોમ અને ચિલ્ડ્રન ગેમઝોન ઊભાં કરવાની જોગવાઈ હોવા છતાં માત્ર સાદો મંડપ બનાવવામાં આવ્યો છે અને ગેમઝોન પણ ઉપલબ્ધ નથી.
ભોજનની ગુણવત્તા નબળી હોવાનો આક્ષેપ
મેળામાં સ્ટોલ ધરાવતા વેપારીઓએ પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. એક વેપારીએ જણાવ્યું કે પીવાના પાણીની સુવિધા ન હોવાથી ઘરેથી પાણી લાવવું પડે છે. ભોજનની ગુણવત્તા નબળી હોવાનો આક્ષેપ કરતાં તેમણે ભોજન લેવાનો ઈનકાર કર્યો હતો. ગ્રાહકોની ઓછી હાજરીને કારણે વેપાર પર પણ અસર પડી રહી છે. પાલિકાના એક સભ્યે આક્ષેપ કર્યો કે રૂપિયા 10 લાખ કોન્ટ્રાક્ટ પાછળ ખર્ચવાને બદલે નાના વેપારીઓને સીધી આર્થિક સહાય આપવામાં આવી હોત તો તેમને વધુ લાભ મળ્યો હોત. હાલ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ત્યારે ટેન્ડરની શરતો, ખર્ચ અને સુવિધાઓ અંગે તટસ્થ તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની માગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: Gujarat Governmentનો મોટો નિર્ણય: CM ફેલોશિપમાં ફેલોની સંખ્યા 41થી વધારી 47 કરાઈ, પ્રોજેક્ટ્સ પણ બમણાથી વધુ





