Gujarat Governmentનો મોટો નિર્ણય: CM ફેલોશિપમાં ફેલોની સંખ્યા 41થી વધારી 47 કરાઈ, પ્રોજેક્ટ્સ પણ બમણાથી વધુ


Gujarat Government
Gujarat Governmentનો મોટો નિર્ણય: CM ફેલોશિપમાં ફેલોની સંખ્યા 41થી વધારી 47 કરાઈ, પ્રોજેક્ટ્સ પણ બમણાથી વધુ


Gujarat Government
Gujarat Government: ગુજરાતમાં સરકારી વહીવટમાં યુવાનોની ભાગીદારી વધારવા અને સરકારી યોજનાઓના અમલીકરણને વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ CM ફેલોશિપનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ અંતર્ગત ફેલોની સંખ્યા 41થી વધારીને 47 અને પ્રોજેક્ટ્સની સંખ્યા 20થી વધારીને 45 કરવામાં આવી છે.
સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયનો હેતુ રાજ્યના વિવિધ વિકાસલક્ષી ક્ષેત્રોમાં સંશોધન, નીતિ વિશ્લેષણ, વહીવટી સંકલન અને સરકારી યોજનાઓની કામગીરીના મૂલ્યાંકનમાં યુવા પ્રતિભાઓની ભાગીદારી વધારવાનો છે. કાર્યક્રમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદ (IIM અમદાવાદ) નોલેજ પાર્ટનર તરીકે કાર્ય કરશે.
ફેલોશિપનો વ્યાપ વધારાયો, 45 પ્રોજેક્ટ્સમાં યુવાનો જોડાશે
CM ફેલોશિપનો મુખ્ય હેતુ સંશોધન અને વિશ્લેષણાત્મક ક્ષમતા ધરાવતા યુવાનોને એકથી બે વર્ષ માટે રાજ્યના વહીવટી તંત્ર સાથે જોડવાનો છે. આ દરમિયાન યુવાનોને સરકારી કામગીરીનો અનુભવ મળશે અને તેમની ક્ષમતાનો ઉપયોગ સામાજિક સેવાઓના વિકાસ, જનહિતલક્ષી યોજનાઓને વધુ પરિણામલક્ષી બનાવવા તથા વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા માટે કરવામાં આવશે.
વિસ્તૃત કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ, શહેરી વહીવટ, પર્યાવરણ અને જાહેર વહીવટ સહિતનાં ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે. પ્રોજેક્ટ્સ દ્વારા યોજનાઓના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ ઓળખવા, ઉપલબ્ધ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અને સંબંધિત વિભાગોને વ્યવહારુ સૂચનો આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
આંગણવાડી, પોષણ અને બાળશિક્ષણ પર ધ્યાન
બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આંગણવાડી, પોષણ, એનિમિયા ઘટાડવા, બાળશિક્ષણ અને લાઇબ્રેરીઓ સાથે જોડાયેલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
PM POSHAN મધ્યાહ્ન ભોજન યોજના અને ICDSના અમલીકરણને વધુ સુદૃઢ બનાવવા સેન્ટ્રલાઇઝ્ડ કિચન સુવિધાઓના વિસ્તરણ અંગેનો પ્રોજેક્ટ પણ સામેલ છે. આ અભ્યાસ દ્વારા યોજનાઓની પહોંચ અને સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવા માટે ઉપયોગી ભલામણો તૈયાર કરવામાં આવશે.
આરોગ્ય અને કૃષિ ક્ષેત્રના પડકારોનો અભ્યાસ
આરોગ્ય ક્ષેત્રે સરકારી હૉસ્પિટલોમાં PMJAY-MA યોજના હેઠળના ક્લેમ અને સરકારી આરોગ્ય સેવાઓના ઉપયોગ સંબંધિત પડકારોનો અભ્યાસ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ પ્રક્રિયાઓને સરળ બનાવવા અને આરોગ્ય સેવાઓના અમલીકરણમાં સુધારાની શક્યતાઓ શોધવાનો છે.
કૃષિ ક્ષેત્રે કુદરતી ખેતીના અમલીકરણમાં આવતા પડકારો તથા ખેડૂતો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં ઊભી થતી મુશ્કેલીઓનું વિશ્લેષણ કરાશે. આ અભ્યાસના આધારે સંબંધિત વિભાગોને સુધારા માટે સૂચનો મળી શકશે.
‘વિકસિત ગુજરાત@2047’ માટે ડેટા આધારિત આયોજન
રાજ્યના લાંબા ગાળાના વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ‘વિકસિત ગુજરાત@2047’ માટે પુરાવા આધારિત નીતિ સંશોધન, ડેટા વિશ્લેષણ અને પ્રાથમિકતા ધરાવતા વિકાસ પ્રોજેક્ટ્સના મૉનિટરિંગને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત જિલ્લા સ્તરની સમિતિઓની કામગીરી, નિર્ણયો પર અનુસરણ અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન સુધારવા અંગે અભ્યાસ કરવામાં આવશે. જરૂરિયાત મુજબ માહિતીનું વર્ગીકરણ, સારાંશ અને મહત્ત્વના મુદ્દાઓની ઓળખ માટે AI આધારિત સાધનોનો ઉપયોગ પણ થઈ શકશે. જોકે, AI દ્વારા તૈયાર થયેલી માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં મૂળ દસ્તાવેજો અને ડેટા સાથે તેની ચકાસણી કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.
શહેરી સેવાઓ અને પર્યાવરણલક્ષી વિકાસને પ્રોત્સાહન
શહેરી વહીવટ ક્ષેત્રે રાજકોટ મહાનગરપાલિકાની નાગરિક સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવવા, વારંવાર થતી ફરિયાદોને અટકાવવા અને ડેટા વિશ્લેષણના આધારે સમસ્યાઓનું આગોતરું નિવારણ કરવા જેવા વિષયોનો સમાવેશ થયો છે.
ભાવનગરમાં ઘન અને ભીના કચરાના રિસાયક્લિંગ તથા સંસાધનોના પુનઃઉપયોગ અંગેના પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવશે.
વહીવટી કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ
CM ફેલોશિપમાં ફેલોની સંખ્યા 41થી વધારી 47 અને પ્રોજેક્ટ્સની સંખ્યા 20થી વધારી 45 કરવાનો નિર્ણય યુવાનોને સરકારી કામગીરી સાથે જોડવાની તકોનો વિસ્તાર કરશે. આ પહેલ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સંશોધન, નીતિ વિશ્લેષણ અને વ્યવહારુ સુધારાઓને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. સાથે જ સરકારી યોજનાઓના અમલીકરણ અને વહીવટી સંકલનને વધુ અસરકારક બનાવવામાં મદદ મળી શકે છે.






