Food Inspection: દિવાળી પૂર્વે રાજુલામાં તંત્રનું મેગા ફૂડ ચેકિંગ, અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ


Food Inspection
Food Inspection: દિવાળી પૂર્વે રાજુલામાં તંત્રનું મેગા ફૂડ ચેકિંગ, અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ


Food Inspection
Food Inspection: દિવાળીના તહેવારો નજીક આવતા જ નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજુલા SDM કચેરી, મામલતદાર કચેરીના સ્ટાફ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને તોલમાપ વિભાગની સંયુક્ત ટીમોએ શહેરની વિવિધ ફરસાણની દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ પર આકસ્મિક ચેકિંગ કર્યું હતું.
તોલમાપના સાધનોની પણ ચકાસણી કરવામાં આવી
તપાસ દરમિયાન અધિકારીઓએ વિવિધ ખાદ્ય એકમોમાં સ્વચ્છતા, ખાદ્યસામગ્રીની ગુણવત્તા, તેલની સ્થિતિ, એક્સપાયરી ડેટ અને સંગ્રહ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ઉપરાંત તોલમાપ વિભાગ દ્વારા વેપારીઓનાં વજનકાંટા સહિતનાં તોલમાપના સાધનોની પણ ચકાસણી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએથી અખાદ્ય પનીર, વાસી શાકભાજી અને અન્ય બિનઉપયોગી ખાદ્યસામગ્રી મળી આવી હતી. આવી સામગ્રીનો સ્થળ પર જ નિકાલ કરીને નાશ કરવામાં આવ્યો હતો. તંત્રની ટીમોએ ખાદ્યપદાર્થો યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે કે નહીં અને ગ્રાહકોને પીરસવામાં આવતું ભોજન આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં તે અંગે પણ તપાસ કરી હતી.
સરકારી નિયમોનું પાલન કરવા કડક સૂચનાઓ આપી
દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્યપદાર્થોની માગ વધતી હોવાથી ખાદ્યસામગ્રીની ગુણવત્તા જાળવવી જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ વેપારીઓને દુકાનો અને રસોડામાં સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ કરવા, વાસી કે બગડેલી સામગ્રીનો ઉપયોગ નહીં કરવા તેમજ સરકારી નિયમોનું પાલન કરવા કડક સૂચનાઓ આપી હતી. રાજુલામાં તંત્રની આ આકસ્મિક કાર્યવાહીને પગલે ખાદ્યસામગ્રીના વેપારીઓમાં સતર્કતા જોવા મળી હતી. તહેવારો દરમિયાન નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આવી તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Botad News: LCBએ 27 જેટલી વેબસાઈટ્સના ઓનલાઈન મની ગેમિંગ નેટવર્કનો પર્દાફાશ, બે લોકો ઝડપાયા





