Amreli SMC Raid: ધારીના ચલાલામાં SMCના દરોડા, દેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ, 5 લાખનો મુદ્દામાલ જપ્ત

Amreli SMC Raid: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દેશી દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Amreli Dhari SMC Raid NewsAmreli Dhari SMC Raid News

Amreli Dhari SMC Raid News

Amreli SMC Raid: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દેશી દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચલાલાના લાખાપાદર ગામમાં SMCએ દરોડો પાડીને દેશી દારૂ બનાવવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો

મળતી માહિતી મુજબ, લાખાપાદર ગામમાં દેવજી વાઘેલાના રહેણાક મકાનમાં દેશી દારૂ બનાવવાનું અને વેચાણ કરવાનું નેટવર્ક ચાલતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 251 લીટર દેશી દારૂ, 2,595 લીટર વોશ અને 1,104 કિલોગ્રામ ગોળ સહિતનો જથ્થો મળી આવ્યો હતો.

SMCની ટીમે સ્થળ પરથી કુલ અંદાજે રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં દેવજી ઉર્ફે દેવો વાઘેલા અને મુકેશ ઉર્ફે મૂકલો બાબરીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.

7 શખ્સ સામે ગુનો નોંધાયો

આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનમાં કુલ 7 શખ્સ સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસની હદમાં ચાલતા દેશી દારૂના આ નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ચલાલા પોલીસની હાજરીમાં કે જાણ બહાર આટલો મોટો ગેરકાયદે વેપાર કેવી રીતે ચાલતો હતો તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. હાલ SMCની કાર્યવાહી બાદ દેશી દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Sabarkantha Liquor Destruction: સાબરકાંઠામાં પોલીસની મોટી કાર્યવાહી, 2.40 કરોડના વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર