Ahmedabad News: વિરમગામમાં SMCનો સપાટો, વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Ahmedabad Viramgam SOG Raid NewsAhmedabad Viramgam SOG Raid News

Ahmedabad Viramgam SOG Raid News

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિરમગામના રામછાપરી ત્રણ રસ્તા નજીક SMCની ટીમે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે દારૂના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

રામછાપરી ત્રણ રસ્તા નજીક દરોડો પાડ્યો

મળતી માહિતી અનુસાર, વિરમગામ વિસ્તારમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામછાપરી ત્રણ રસ્તા નજીક દરોડો પાડ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન સહિતનો જથ્થો મળી આવ્યો હતો. SMCની ટીમે આ કાર્યવાહી દરમિયાન બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં શૈલેષભાઈ ઘનશ્યામભાઈ કુમારખાણીયા અને વિશાલભાઈ ચંદુભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. બંને આરોપીઓની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

1.08 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

દરોડા દરમિયાન વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન ઉપરાંત બે મોબાઈલ ફોન, એક વાહન અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હતી. આમ, SMC દ્વારા સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂપિયા 1.08 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે SMCની આ કાર્યવાહીથી વિરમગામમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને વેચવાનો હતો અને આ ગેરકાયદેસર વેપારમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ તપાસનો વિષય બન્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Jamnagar SOG Raid: કાલાવડના હરિપર મેવાસામાં ભેળસેળયુક્ત દૂધની ડેરી પર SOGની રેડ, 486 લીટર દૂધનો જથ્થો ઝડપાયો