Sabarmati Riverfront : અમદાવાદને મળશે રિવરફ્રન્ટનું નવું નજરાણું, 40 કિમી લાંબો બનશે સાબરમતી રિવરફ્રન્ટ, CMએ કરી સમીક્ષા


Sabarmati Riverfront સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ
Sabarmati Riverfront : અમદાવાદને મળશે રિવરફ્રન્ટનું નવું નજરાણું, 40 કિમી લાંબો બનશે સાબરમતી રિવરફ્રન્ટ, CMએ કરી સમીક્ષા


Sabarmati Riverfront સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ
Sabarmati Riverfront : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 અને ફેઝ-3 અંતર્ગત ચાલી રહેલાં વિવિધ વિકાસકાર્યોની સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. બંને તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ સાબરમતી રિવરફ્રન્ટની કુલ લંબાઈ નદીના બંને કાંઠે મળીને 40 કિલોમીટર થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે બની રહેલા છ લેનના બેરેજ કમ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ફેઝ-2 હેઠળ સરદાર પટેલ એન્ક્લેવના કેનોપી સ્ટ્રક્ચર, કોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને ઇન્દિરા બ્રિજની નીચે ચાલી રહેલાં કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
40 કિમી સુધી વિસ્તરશે રિવરફ્રન્ટ
ફેઝ-3 અંતર્ગત સાબરમતીના પશ્ચિમ છેડા તરફ કોતરપુર સામે અને પૂર્વ તરફ કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે ચાલી રહેલાં વિકાસકાર્યોની પણ તેમણે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવીને કામ ઝડપથી પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 અંતર્ગત ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી નદીના બંને કાંઠે વિકાસ કરવામાં આવશે.
આ વિસ્તારમાં નદીની લંબાઈ 5.50 કિલોમીટર છે, જેના બંને કાંઠે મળીને કુલ 11 કિલોમીટરનો રિવરફ્રન્ટ વિકસાવવાનું આયોજન છે. જ્યારે ફેઝ-3 અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધી બંને કાંઠે વિકાસ કરવામાં આવશે. આ તબક્કામાં નદીની લંબાઈ 5 કિલોમીટર અને બંને કાંઠે મળીને કુલ 10 કિલોમીટરનો વિસ્તાર વિકસાવવાનું આયોજન છે.
ગુજરાતનો પ્રથમ બેરેજ કમ બ્રિજ બનશે
આ પ્રોજેક્ટનું વિશેષ આકર્ષણ છ લેનનો બેરેજ કમ બ્રિજ રહેશે. આ બ્રિજ ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમથી સંચાલિત થશે. 3.5 મીટર ઊંચાઈના એર ફિલ્ડ રબર ટાઇપ સ્પેશ્યલાઇઝ્ડ બેરેજની મદદથી ગાંધીનગર તરફના રિવરફ્રન્ટમાં પાણી ભરાયેલું રહેશે. આ પ્રકારનો બેરેજ કમ બ્રિજ ગુજરાતમાં પ્રથમ હોવાનું જણાવાયું છે. રિવરફ્રન્ટના નવા તબક્કામાં નદીના બંને કાંઠે ગ્રીન ઝોન, વિવિધ લેવલ પર વૃક્ષારોપણ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર માટેની જગ્યાઓ તથા આરોગ્ય અને મનોરંજન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત લોકો માટે વિવિધ સ્તરે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન આઈ.પી. ગૌતમ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ફેઝ-2 અને ફેઝ-3 પૂર્ણ થયા બાદ અમદાવાદના રિવરફ્રન્ટને વધુ વિસ્તૃત અને આકર્ષક સ્વરૂપ મળશે.




