Ahmedabad Rain : અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી ભારે વરસાદ, સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ અપાયું



Ahmedabad Rain
Ahmedabad Rain : અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી ભારે વરસાદ, સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ અપાયું



Ahmedabad Rain
Ahmedabad Rain : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વચ્ચે સવારે 10 વાગ્યા સુધી અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે.
સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.
અમદાવાદમાં ભારે વરસાદ
ભારે વરસાદના કારણે અમદાવાદના હેલ્મેટ સર્કલ ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. વરસાદની સાથે ભારે પવનના કારણે ચાંદલોડિયાના ડમરું સર્કલ પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ગાંધીનગરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં સુસવાટા મારતા પવનો સાથે સતત વરસાદ વરસ્યો હતો અને આકાશમાં ગાઢ વાદળો છવાયેલા રહ્યા હતા.
અમુક જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ
રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદનો મોટો હિસ્સો નોંધાઈ ચૂક્યો છે. જોકે કેટલાક જિલ્લાઓમાં હજુ વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ ખેતી, જળસંગ્રહ અને પીવાના પાણીની ઉપલબ્ધતા માટે મહત્વપૂર્ણ બની શકે છે. હાલમાં અમદાવાદમાં વરસાદની સ્થિતિને જોતા વાહનચાલકો અને નાગરિકોને સાવચેતી રાખવાની જરૂર છે.
ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, પાણી ભરાયેલા રસ્તાઓ અને ભારે પવનવાળા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવી યોગ્ય રહેશે. અમદાવાદમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વચ્ચે નાગરિકોની નજર હવે હવામાન વિભાગની આગામી અપડેટ પર છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





