Maninagarની નવી LG હોસ્પિટલના નિર્માણાધીન બિલ્ડિંગમાં દિવાલ ધરાશાયી, 26 વર્ષીય શ્રમિકનું મોત



Maninagar LG Hospital Wall Collapse
Maninagarની નવી LG હોસ્પિટલના નિર્માણાધીન બિલ્ડિંગમાં દિવાલ ધરાશાયી, 26 વર્ષીય શ્રમિકનું મોત



Maninagar LG Hospital Wall Collapse
Maninagar LG Hospital Wall Collapse: અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી નવી LG હોસ્પિટલના નિર્માણાધીન બિલ્ડિંગમાં આજે સવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બિલ્ડિંગમાં કામ કરી રહેલા 26 વર્ષીય શ્રમિક પર અચાનક ઈંટોની દિવાલ ધરાશાયી થતાં તે કાટમાળ નીચે દટાઈ ગયો હતો. ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રેતી ચડાવવાનું કામ કરતા સમયે દિવાલ ધરાશાયી
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળનો વતની છોટુ મંડલ છેલ્લા ત્રણ વર્ષથી નવી LG હોસ્પિટલ સંકુલના નિર્માણાધીન બિલ્ડિંગમાં શ્રમિક તરીકે કામ કરતો હતો. આજે સવારે આશરે 9 વાગ્યાના અરસામાં તે ઈંટોની દિવાલ પાસે રેતી ચડાવવાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન આશરે 20 ફૂટ લાંબી અને 6 ફૂટ ઊંચી દિવાલ અચાનક ધરાશાયી થઈને છોટુ મંડલ ઉપર પડી હતી. દિવાલના કાટમાળ નીચે દટાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવ બાદ કોન્ટ્રાક્ટર સહિતના લોકોમાં દોડધામ
દિવાલ ધરાશાયી થતાં નિર્માણાધીન સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં કોન્ટ્રાક્ટર સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાના ત્રણ કલાક બાદ પોલીસને જાણ?
પ્રાથમિક વિગતો મુજબ, સવારે આશરે 9 વાગ્યે બનેલી આ ઘટનાની જાણ લગભગ ત્રણ કલાક બાદ મણીનગર પોલીસને કરવામાં આવી હતી. બપોરના સમયે જાણ થતાં મણીનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ?
નિર્માણાધીન સ્થળે શ્રમિકોની સુરક્ષા માટેના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું કે કેમ અને આશરે 20 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થવા પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં 26 વર્ષીય શ્રમિકનું મોત થતાં નિર્માણાધીન સ્થળોની સુરક્ષા વ્યવસ્થા અને શ્રમિકોની સલામતી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





