Kankariya Lake : દિવાળી વેકેશનમાં કાંકરિયામાં સહેલાણીઓનો રેકોર્ડ ધસારો, 3 દિવસમાં 1.57 લાખ મુલાકાતીઓ લીધો લાભ

Kankariya Lake : દિવાળી વેકેશન દરમિયાન અમદાવાદના લોકપ્રિય પર્યટન સ્થળ કાંકરિયામાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek Shah
Kankariya Lake કાંકરિયા લેકમાં પ્રવાસીઓનો ધસારોKankariya Lake કાંકરિયા લેકમાં પ્રવાસીઓનો ધસારો

Kankariya Lake કાંકરિયા લેકમાં પ્રવાસીઓનો ધસારો

Kankariya Lake : તહેવારોની રજાઓમાં પરિવાર અને બાળકો સાથે ફરવા નીકળેલા શહેરીજનો તેમજ બહારગામથી આવેલા પ્રવાસીઓ માટે કાંકરિયા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 9 નવેમ્બરથી 11 નવેમ્બર 2026 દરમિયાન માત્ર ત્રણ દિવસમાં કુલ 1,57,690 મુલાકાતીઓએ કાંકરિયાની મુલાકાત લીધી હતી.

આ આંકડો કાંકરિયાની લોકપ્રિયતા દર્શાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને 9 નવેમ્બરના સોમવારે પણ કાંકરિયા પરિસર મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે સોમવારે બંધ રહેતા પરિસરને ખાસ ખુલ્લું રાખવાના આ નિર્ણયને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પરિણામે સોમવારથી જ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

11 નવેમ્બર સુધી 1.57 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા

મુલાકાતીઓના આંકડા પર નજર કરીએ તો 9 નવેમ્બર, સોમવારે કુલ 28,572 લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ 10 નવેમ્બર, મંગળવારે સૌથી વધુ 67,097 મુલાકાતીઓ નોંધાયા હતા. જ્યારે 11 નવેમ્બર, બુધવારે 62,021 લોકો કાંકરિયા પહોંચ્યા હતા. આમ, ત્રણ દિવસમાં કુલ મુલાકાતીઓનો આંકડો 1,57,690 સુધી પહોંચ્યો હતો. કાંકરિયા પરિસરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ બાળકો અને પરિવારો માટે મુખ્ય આકર્ષણ બની રહ્યું છે.

આ ઉપરાંત બાલવાટિકા, નોક્ટર્નલ ઝૂ, અટલ એક્સપ્રેસ ટ્રેન અને બટરફ્લાય પાર્કમાં પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી રહ્યા છે. વિવિધ એમ્યુઝમેન્ટ રાઈડ્સ બાળકો માટે ખાસ મનોરંજનનું કેન્દ્ર બની રહી છે. પરિવાર સાથે આખો દિવસ આનંદ માણવા માટે કાંકરિયા પ્રવાસીઓની પસંદગી બની રહ્યું છે.

કાંકરિયામાં બાળકો અને પરિવારોની ભારે ભીડ

દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ ઉપરાંત અન્ય શહેરો અને વિસ્તારોમાંથી પણ લોકો કાંકરિયાની મુલાકાતે આવી રહ્યા છે. બાળકોને મનોરંજનની સાથે પ્રાણી સંગ્રહાલય અને વિવિધ આકર્ષણોનો અનુભવ મળતો હોવાથી વેકેશનમાં અહીં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. આગામી દિવસોમાં પણ દિવાળી વેકેશન ચાલુ હોવાથી કાંકરિયામાં મુલાકાતીઓનો ધસારો યથાવત રહેવાની શક્યતા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMC અને સંબંધિત તંત્ર દ્વારા સ્વચ્છતા, સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાપન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આમ, દિવાળી વેકેશનમાં કાંકરિયા અમદાવાદના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક બનીને સહેલાણીઓનું મનપસંદ સ્થળ સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો : IND vs NZ : માત્ર 89 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડ સામે 244 રનથી કારમી હાર