IRIS National Fair 2026: અમદાવાદમાં IRIS નેશનલ ફેર 2026-27નું સમાપન, 22 રાજ્યના 144 યુવા સંશોધકોએ રજૂ કર્યા 120 પ્રોજેક્ટ્સ


અમદાવાદમાં IRIS નેશનલ ફેર 2026-27નું સમાપન
IRIS National Fair 2026: અમદાવાદમાં IRIS નેશનલ ફેર 2026-27નું સમાપન, 22 રાજ્યના 144 યુવા સંશોધકોએ રજૂ કર્યા 120 પ્રોજેક્ટ્સ


અમદાવાદમાં IRIS નેશનલ ફેર 2026-27નું સમાપન
IRIS National Fair 2026: અમદાવાદની ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા ત્રણ દિવસીય IRIS નેશનલ ફેર 2026-27નું સમાપન થયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા સમાપન સમારોહમાં દેશભરમાંથી આવેલા યુવા વૈજ્ઞાનિકો અને સંશોધકોની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

144 યુવા સંશોધકોએ વિવિધ ક્ષેત્રોના 120 ઉત્કૃષ્ટ સંશોધન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા
EXSTEMPLAR એજ્યુકેશન લિંકર્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ દ્વારા સંચાલિત આ નેશનલ ફેર 22થી 24 નવેમ્બર દરમિયાન યોજાયો હતો. જેમાં દેશનાં 22 રાજ્યોમાંથી 144 યુવા સંશોધકોએ વિવિધ ક્ષેત્રોના 120 ઉત્કૃષ્ટ સંશોધન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. સમારોહને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં બાળકોના સ્ક્રીન ટાઇમને રચનાત્મક અને ઉપયોગી દિશામાં વાળવો જરૂરી છે. IRIS જેવા પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપે છે. તેમણે કહ્યું કે, માત્ર સપના જોવાથી નહીં, પરંતુ સતત પરિશ્રમ કરવાથી જ સપનાં સાકાર થાય છે. સ્પર્ધામાં પસંદગી ન પામેલા વિદ્યાર્થીઓએ નિરાશ થવાને બદલે વધુ સંશોધન સાથે આગળ વધવું જોઈએ.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી 'વિકસિત ભારત @ 2047'ના નિર્માણમાં અને વૈશ્વિક નવીનતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 22 STEM વિષય શ્રેણીઓમાં આશરે 1,200 પ્રોજેક્ટ્સની અરજીઓ મળી હતી. તેમાંથી પસંદગી પ્રક્રિયા બાદ 120 પ્રોજેક્ટ્સને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની તક મળી હતી.
આ પ્રોજેક્ટ્સમાં લાઈફ સાયન્સ, એન્જિનિયરિંગ, AI, પર્યાવરણ વિજ્ઞાન, ગણિત, રોબોટિક્સ અને ટેકનોલોજી એન્હાન્સિસ ધ આર્ટ્સ જેવા વિષયોનો સમાવેશ થયો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.




