Ahmedabad News: ગુજરાતને નશામુક્ત બનાવવા NCBનો એક્શન પ્લાન, ડ્રગ્સના સોદાગરોની નાણાકીય તપાસ થશે

Ahmedabad News: ગુજરાતને નશામુક્ત બનાવવા NCBનો રોડમેપ તૈયાર. પાંચ વર્ષના NDPS કેસોની તપાસ, ડ્રગ્સ સોદાગરોની નાણાકીય તપાસ અને ડાર્ક વેબ નેટવર્ક સામે કાર્યવાહી થશે.
Kunjan Shukal
Kunjan Shukal
જેલમાં કે અન્ય રાજ્યમાં રહેલા આરોપી વિરુદ્ધ પણ કરાશે કાર્યવાહીજેલમાં કે અન્ય રાજ્યમાં રહેલા આરોપી વિરુદ્ધ પણ કરાશે કાર્યવાહી

જેલમાં કે અન્ય રાજ્યમાં રહેલા આરોપી વિરુદ્ધ પણ કરાશે કાર્યવાહી

Ahmedabad News: ગુજરાતને નશામુક્ત બનાવવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ડ્રગ્સના વધતા નેટવર્કને નિયંત્રણમાં લેવા અને નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવા NCB દ્વારા વિવિધ એજન્સીઓ સાથે મળીને કામગીરી કરવામાં આવશે. આ અભિયાનમાં માત્ર ડ્રગ્સ પકડવા પૂરતું જ નહીં, પરંતુ તેના પાછળ કાર્યરત સમગ્ર નેટવર્કને તોડી પાડવા પર પણ ભાર મૂકવામાં આવશે.

NDPS એક્ટ હેઠળ નોંધાયેલા કેસોના આરોપીઓની ફરીથી તપાસ કરવામાં આવશે

આ રોડમેપ હેઠળ ગુજરાત પોલીસ, NCB અને અન્ય તપાસ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવામાં આવશે. ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા મોટા સોદાગરોની નાણાકીય તપાસ પણ કરવામાં આવશે. ડ્રગ્સના વેપારથી ઊભી થયેલી ગેરકાયદેસર સંપત્તિ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરીને આવા નેટવર્કના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરાશે.

ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન NDPS એક્ટ હેઠળ નોંધાયેલા કેસોના આરોપીઓની ફરીથી તપાસ કરવામાં આવશે. આ તપાસમાં આરોપીઓની વર્તમાન સ્થિતિ, તેમના સંપર્કો અને ડ્રગ્સના કારોબાર સાથેના સંબંધોની વિગતો મેળવવામાં આવશે. જેલમાં બંધ આરોપીઓ તેમજ અન્ય રાજ્યોમાં રહેતા આરોપીઓ સામે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાશે

NCBના આ રોડમેપમાં ડાર્ક વેબ દ્વારા ચાલતા ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્કને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઓનલાઈન માધ્યમથી થતા ડ્રગ્સના સોદા અને તેની સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને નશાની લતથી દૂર રાખવા માટે લોકજાગૃતિ અને લોકભાગીદારીને મહત્વ આપવામાં આવશે.

શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને નાગરિકોના સહયોગથી નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાશે. આમ, ગુજરાતને નશામુક્ત બનાવવા માટે NCB દ્વારા તપાસ, નાણાકીય કાર્યવાહી, આંતરરાજ્ય સંકલન અને જનજાગૃતિને જોડીને વ્યાપક અભિયાન હાથ ધરવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, એક જ દિવસમાં 16 સરકારી વિભાગની કામગીરીની કરી સમીક્ષા