Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad News : નવરાત્રિ પહેલાં અમદાવાદ ફાયર વિભાગ એલર્ટ, AC ડોમ ગરબા માટે ફાયર NOC ફરજિયાત

Ahmedabad News : નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટી અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 02 Oct 2026 03:54 PM IST
Ahmedabad News : નવરાત્રિ પહેલાં અમદાવાદ ફાયર વિભાગ એલર્ટ, AC ડોમ ગરબા માટે ફાયર NOC ફરજિયાતAhmedabad News : નવરાત્રિ પહેલાં અમદાવાદ ફાયર વિભાગ એલર્ટ, AC ડોમ ગરબા માટે ફાયર NOC ફરજિયાત

AMC FIRE NOC NAVRATRI 2026

Ahmedabad News : ખાસ કરીને AC ડોમ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ગરબાનું આયોજન કરતા આયોજકોએ ફાયર વિભાગના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ખેલૈયાઓની સુરક્ષા અને આગ જેવી આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગે વિવિધ તકેદારીઓ રાખવા સૂચના આપી છે.

ફાયર વિભાગની માર્ગદર્શિકા મુજબ, AC ડોમમાં ગરબાનું આયોજન કરવા માટે ફાયર NOC મેળવવી ફરજિયાત છે. આ ઉપરાંત ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે જરૂરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પણ મેળવવાનું રહેશે. મંજૂરીની પ્રક્રિયા દરમિયાન ડોમ અને સ્થળની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે.

ફાયર વિભાગના નિયમોનું પાલન કરવું જરૂરી છે

ડોમમાં ઉપયોગમાં લેવાતા કાર્પેટ અને પડદાઓ પર ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે અથવા ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી રહેશે, જેથી આગ લાગવાની સ્થિતિમાં આગ ઝડપથી ફેલાવાનું જોખમ ઘટાડી શકાય. સાથે જ AC ડોમમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટની વ્યવસ્થા રાખવી પડશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે ખેલૈયાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. વીજળીની સુરક્ષાને લઈને પણ ફાયર વિભાગે ખાસ સૂચનાઓ આપી છે.

ડોમમાં કરવામાં આવેલા ઇલેક્ટ્રિક વાયરિંગનું ચેકિંગ કરવામાં આવશે. વાયરિંગની યોગ્યતા અને સલામતીની ચકાસણી સાથે જરૂરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. માર્ગદર્શિકા મુજબ PVC કવરિંગ ધરાવતા વાયરનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવનારા ચેકિંગ દરમિયાન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. આથી સ્થળ પર કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની નોંધ રાખી શકાશે.

જનરેટરની ગોઠવણ અંગે પણ આયોજકોએ ખાસ ધ્યાન આપવાનું રહેશે

તેને સ્ટેજ અને મંડપથી સુરક્ષિત અંતરે રાખવાની સૂચના આપવામાં આવી છે, જેથી ગરમી, ઇંધણ અથવા વીજળી સંબંધિત જોખમોથી બચી શકાય. અમદાવાદ ફાયર વિભાગે ગરબા આયોજકોને નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમામ જરૂરી મંજૂરીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ પૂર્ણ કરવા જણાવ્યું છે. ફાયર સેફ્ટીના નિયમોમાં બેદરકારી અથવા ઉલ્લંઘન સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ખેલૈયાઓ એકત્રિત થતા હોવાથી આયોજકોએ સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવી પડશે. આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ નવરાત્રિ દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય અને ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચો : Kheda News : ખેડાના ગુતાલ ગામમાં દારૂની બાતમી આપવાની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, વીડિયો વાયરલ થતા પોલીસ થઈ દોડતી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે