Operation Garuda: અમદાવાદ ફાયર વિભાગનું 'ઓપરેશન ગરુડ', આગ સામે લડવા આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની યોજના

Operation Garuda: આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આગની ગંભીર પરિસ્થિતિમાં ફાયર ફાઈટર્સની પહોંચ, નિરીક્ષણ અને રેસ્ક્યુ કામગીરીની ક્ષમતામાં વધારો કરવાનો છે.
Kunjan Shukal
Kunjan Shukal
અમદાવાદ ફાયર વિભાગનું 'ઓપરેશન ગરુડ'અમદાવાદ ફાયર વિભાગનું 'ઓપરેશન ગરુડ'

અમદાવાદ ફાયર વિભાગનું 'ઓપરેશન ગરુડ'

Operation Garuda: અમદાવાદમાં વધતી હાઈરાઈઝ ઈમારતો, મોલ, હોસ્પિટલો, હોટલો અને ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓ સામે વધુ અસરકારક રીતે કામગીરી કરવા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા આધુનિક ટેક્નોલોજી આધારિત 'ઓપરેશન ગરુડ'ની કલ્પના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આગની ગંભીર પરિસ્થિતિમાં ફાયર ફાઈટર્સની પહોંચ, નિરીક્ષણ અને રેસ્ક્યુ કામગીરીની ક્ષમતામાં વધારો કરવાનો છે.

લોકોને સૂચનાઓ આપવાની કામગીરી પણ શક્ય બની શકે

આધુનિક શહેરોમાં ઊંચી ઇમારતોના ઉપરના માળે આગ લાગે ત્યારે ફાયર ટેન્ડર અને ફાયર કર્મચારીઓ માટે સીધી પહોંચ મુશ્કેલ બને છે. ધુમાડો, વધુ ગરમી અને જોખમી પરિસ્થિતિઓને કારણે બચાવ કામગીરીમાં પડકારો ઊભા થાય છે. આવી પરિસ્થિતિમાં ડ્રોન ટેક્નોલોજી મદદરૂપ બની શકે છે. 'ઓપરેશન ગરુડ' હેઠળ ડ્રોનમાં થર્મલ ઈમેજિંગ કેમેરા, હાઈ રિઝોલ્યુશન કેમેરા, AI આધારિત આગની ઓળખ, નાઈટ વિઝન, GPS મેપિંગ અને લાઈવ વીડિયો ટ્રાન્સમિશન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની યોજના છે. આ ઉપરાંત ગેસ ડિટેક્શન સેન્સર અને લાઉડસ્પીકર સિસ્ટમ દ્વારા જોખમી વિસ્તારોનું નિરીક્ષણ તથા લોકોને સૂચનાઓ આપવાની કામગીરી પણ શક્ય બની શકે છે.

પવનની મર્યાદા અને સલામતીના માપદંડોની ચકાસણી જરૂરી રહેશે

આ ડ્રોનની મદદથી આગના હોટસ્પોટ, ધુમાડાની દિશા, બિલ્ડિંગની બહાર ફસાયેલા લોકો અને ફાયર ફાઈટર્સ માટે સલામત પ્રવેશ તથા રેસ્ક્યુ રૂટનું મૂલ્યાંકન કરી શકાશે. ભવિષ્યમાં વિશેષ પેલોડ ક્ષમતા ધરાવતા ફાયર ફાઈટિંગ ડ્રોન દ્વારા પાણીના મિસ્ટ અથવા ફોમનો મર્યાદિત ઉપયોગ, હાઈરાઈઝ ઇમારતોમાં આગ સામે સહાય, ઔદ્યોગિક આગનું નિરીક્ષણ, સોલાર પેનલમાં આગની તપાસ અને કેમિકલ આગની પરિસ્થિતિનું મોનિટરિંગ કરવાની શક્યતાઓ પણ વિચારવામાં આવી રહી છે. જોકે, આવી કામગીરી માટે ડ્રોનની ક્ષમતા, ફ્લાઇટ સમય, પવનની મર્યાદા અને સલામતીના માપદંડોની ચકાસણી જરૂરી રહેશે.

આ પ્રોજેક્ટ હેઠળ AI આધારિત ફાયર રિસ્ક મોનિટરિંગ, ડ્રોન ફ્લીટ, સર્ચ એન્ડ રેસ્ક્યુ સ્ક્વોડ્રન, GIS આધારિત ફાયર મેપિંગ અને સ્માર્ટ ફાયર કમાન્ડ સેન્ટર વિકસાવવાનું વિઝન છે. 'ઓપરેશન ગરુડ'નો મુખ્ય સંદેશ છે કે ટેક્નોલોજી ફાયર ફાઈટર્સનું સ્થાન નહીં લે, પરંતુ તેમની ક્ષમતામાં વધારો કરશે. જ્યાં માનવીની પહોંચ મુશ્કેલ બને ત્યાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Bhadra Festival Ahmedabad: 12 વર્ષ બાદ અમદાવાદના ભદ્ર ફેસ્ટિવલનું પુનરાગમન, ઐતિહાસિક કિલ્લા પર લોકકળા અને પરંપરાનો રંગ જામ્યો