Bhadra Festival Ahmedabad: 12 વર્ષ બાદ અમદાવાદના ભદ્ર ફેસ્ટિવલનું પુનરાગમન, ઐતિહાસિક કિલ્લા પર લોકકળા અને પરંપરાનો રંગ જામ્યો

Bhadra Festival Ahmedabad: અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ દ્વારા આયોજિત ‘ભદ્ર ફેસ્ટિવલ’ 12 વર્ષ બાદ ફરી યોજાયો છે.
Kunjan Shukal
Kunjan Shukal
12 વર્ષ બાદ અમદાવાદના ભદ્ર ફેસ્ટિવલનું પુનરાગમન12 વર્ષ બાદ અમદાવાદના ભદ્ર ફેસ્ટિવલનું પુનરાગમન

12 વર્ષ બાદ અમદાવાદના ભદ્ર ફેસ્ટિવલનું પુનરાગમન

Bhadra Festival Ahmedabad: અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ દ્વારા આયોજિત ‘ભદ્ર ફેસ્ટિવલ’ 12 વર્ષ બાદ ફરી યોજાયો છે. વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન યોજાયેલા આ મહોત્સવે અમદાવાદના ઐતિહાસિક કિલ્લાઓ, સ્થાપત્ય અને જીવંત લોકપરંપરાઓને અનોખી રીતે ઉજાગર કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આયોજિત આ ઉત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં લોકકળા અને પરંપરાગત પ્રસ્તુતિઓએ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ભદ્ર કિલ્લો અને ઐતિહાસિક ચોક લોકકલાના રંગોથી જીવંત બની ગયો

સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન ભદ્ર કિલ્લો અને તેની આસપાસનો ઐતિહાસિક ચોક લોકકલાના રંગોથી જીવંત બની ગયો હતો. વિશાળ કઠપૂતળીઓની શોભાયાત્રા, નગારાના ગુંજતા તાલ અને સિદી ધમાલના કલાકારોના ઉત્સાહભર્યા નૃત્યએ સમગ્ર વાતાવરણ ઉત્સવમય બનાવ્યું હતું. મલખમના કલાકારોએ અદભુત સંતુલન, ચપળતા અને શારીરિક કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. તેમની વિવિધ કસરતી રચનાઓ અને હેરતભર્યા પ્રયોગોએ દર્શકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતી રંગભૂમિ અને પરંપરાગત કથાકથન દ્વારા ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક રજૂ કરવામાં આવી હતી.

કલાકારોની પ્રસ્તુતિએ મુલાકાતીઓને વારસાનો જીવંત અનુભવ કરાવ્યો

'ક્રાફ્ટ ઓફ આર્ટ' દ્વારા કલ્પના, ક્યુરેશન અને પ્રસ્તુત કરવામાં આવેલા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદના ઐતિહાસિક વારસાને લોકકળા સાથે જોડવાનો છે. સદીઓ જૂની ઈમારતોની વચ્ચે કલાકારોની પ્રસ્તુતિએ મુલાકાતીઓને વારસાનો જીવંત અનુભવ કરાવ્યો હતો. ભદ્ર ફેસ્ટિવલના પુનરાગમનથી અમદાવાદની પરંપરાગત કલા, લોકસંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળોને નવી ઓળખ મળી રહી છે. આ મહોત્સવ દ્વારા શહેરના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat News: રેલવે સ્ટેશન પર ભીડનો લાભ લઈ દાગીના ચોરનાર મહિલા દાહોદથી ઝડપાઈ, રૂપિયા 9.47 લાખની સોનાની લગડી રિકવર