Get News Alerts

Never miss breaking news updates.

NDPS Case Dholka: સ્ટીલની કોઇલની આડમાં કરોડોનો નશાનો કારોબાર!

NDPS Case Dholka: સ્ટીલની કોઇલ અને શીટના કન્સાઇનમેન્ટની આડમાં નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. નાગપુરથી સાણંદ તરફ આવી રહેલા ટ્રક-ટ્રેલરમાંથી 696.940 કિલો પોસડોડાનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની
Nisha Parmar
Nisha ParmarUpdated on: 10 Oct 2026 02:18 PM IST
NDPS Case Dholka: સ્ટીલની કોઇલની આડમાં કરોડોનો નશાનો કારોબાર!NDPS Case Dholka: સ્ટીલની કોઇલની આડમાં કરોડોનો નશાનો કારોબાર!

NDPS Case Dholka

NDPS Case Dholka: સ્ટીલની કોઇલ અને શીટના કન્સાઇનમેન્ટની આડમાં નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. નાગપુરથી સાણંદ તરફ આવી રહેલા ટ્રક-ટ્રેલરમાંથી 696.940 કિલો પોસડોડાનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG અને એન્ટી નાર્કોટિક્સ વિંગે ખેડા-ધોળકા હાઇવે પર કાર્યવાહી કરીને અંદાજે રૂ. 1.47 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય શંકાસ્પદ લોકોની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે.

ખેડા-ધોળકા હાઇવે પર પોલીસની કાર્યવાહી

મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG અને એન્ટી નાર્કોટિક્સ વિંગે બાતમીના આધારે ખેડા-ધોળકા હાઇવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન RJ-19-GC-5486 નંબરના ટ્રક-ટ્રેલરને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં સ્ટીલની કોઇલ અને શીટના કન્સાઇનમેન્ટની આડમાં પોસડોડાના 35 કોથળા છુપાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન કુલ 696.940 કિલો પોસડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થાની કિંમત આશરે રૂ. 1,04,54,900 આંકી છે.

રૂ. 1.47 કરોડનો મુદ્દામાલ જપ્ત

પોલીસે પોસડોડા ઉપરાંત ટ્રક-ટ્રેલર, સ્ટીલની કોઇલ, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 1,47,14,961નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જણાવાયું છે. સ્ટીલના માલની આડમાં આટલો મોટો જથ્થો લઈ જવામાં આવતો હોવાની વિગતો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર હેરાફેરીના નેટવર્કની તપાસ હાથ ધરવામાં આવી છે.

ટ્રકચાલકની ધરપકડ, અન્ય લોકોની ભૂમિકાની તપાસ

આ કેસમાં રાજસ્થાનના બાડમેરના ટ્રકચાલક ભૈરારામ રામારામ તરડની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કચ્છના સામખિયાળીના જેતારામ ભુરા રામ કડવાશાની જથ્થો મંગાવવામાં ભૂમિકા હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. જથ્થો મોકલનાર હોવાનું જણાવાતા સંતોષ સહિત અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

નશાનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો?

પોલીસ તપાસમાં જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેને ક્યાં પહોંચાડવાનો હતો અને મોકલનાર તથા મંગાવનાર વચ્ચે શું સંબંધ છે તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને જથ્થાના વિતરણ માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી હતી તે પણ તપાસનો વિષય છે.

આ મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હવે પોલીસની વધુ તપાસમાં નશીલા પદાર્થની હેરાફેરી સાથે જોડાયેલી અન્ય કડીઓ સામે આવે છે કે નહીં તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : Jamnagarમાં નવરાત્રિ પહેલાં હિન્દુ સેનાનું જાગૃતિ અભિયાન, યુવતીઓને પત્રિકાઓનું વિતરણ કરી કરી અપીલ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.