Ahmedabad News: ઝોન-7 પોલીસનું મેગા ઓપરેશન, એક જ રાતમાં 4 NDPS કેસ, 549 કફ સિરપની બોટલ અને ગાંજો ઝડપાયો


Ahmedabad Police 4 NDPS Case
Ahmedabad News: ઝોન-7 પોલીસનું મેગા ઓપરેશન, એક જ રાતમાં 4 NDPS કેસ, 549 કફ સિરપની બોટલ અને ગાંજો ઝડપાયો


Ahmedabad Police 4 NDPS Case
Ahmedabad News: અમદાવાદમાં નશાના કારોબાર સામે ઝોન-7 પોલીસ દ્વારા એક જ રાતમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આનંદનગર, વેજલપુર અને વાસણા વિસ્તારમાં પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ સંયુક્ત પેટ્રોલિંગ અને કોમ્બિંગ દરમિયાન ચાર NDPS સંબંધિત ગુનાઓ શોધી કાઢ્યા હતા. આ કાર્યવાહીમાં પ્રતિબંધિત કફ સિરપની 549 બોટલ તેમજ ગાંજાનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નશાના કારોબાર સામે કાર્યવાહી હાથ ધરી છે.
નશાના ગેરકાયદે વેપાર સામે પોલીસની તપાસ વધુ સઘન બની
પોલીસની અલગ-અલગ ટીમોએ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખીને દરોડા પાડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં નશીલા પદાર્થોના વેચાણ અને સંગ્રહ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કફ સિરપનો જથ્થો અને ગાંજો મળી આવતા નશાના ગેરકાયદે વેપાર સામે પોલીસની તપાસ વધુ સઘન બની છે.
આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં સરખેજ વિસ્તારમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા રહેણાક મકાનના ભોંયરામાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. આ ઘટનાએ અમદાવાદમાં નશાના નેટવર્ક અને તેની પ્રવૃત્તિઓ અંગે અનેક સવાલો ઊભા કર્યા હતા.
ડ્રગ્સના મુખ્ય સપ્લાયરો સુધી પહોંચવુ જરૂરી
હવે ઝોન-7 પોલીસના આ ઓપરેશન બાદ નશાના કારોબાર સામે કાર્યવાહી તેજ બની હોવાની ચર્ચા છે. જોકે આ પ્રકારની કાર્યવાહી માત્ર છૂટક આરોપીઓ અને મુદ્દામાલ જપ્ત કરવા સુધી મર્યાદિત ન રહે, પરંતુ નશાના સપ્લાય નેટવર્કના મૂળ સુધી પહોંચે તે જરૂરી છે. નશામુક્ત શહેરના અભિયાન વચ્ચે પોલીસની આ કામગીરી કેટલી અસરકારક સાબિત થાય છે અને ડ્રગ્સના મુખ્ય સપ્લાયરો સુધી તપાસ પહોંચે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.




