Crime News : અમદાવાદમાં મહિલા PSI અને ભાજપ કોર્પોરેટર વચ્ચે બબાલ, ફટાકડાથી કારના નુકસાન મુદ્દે વિવાદ થતા પોલીસમાં સામસામે અરજી કરાઈ

Crime News : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાથી કારને થયેલા નુકસાનના મામલે મોટો વિવાદ સામે આવ્યો છે.
Vivek Shah
Vivek Shah
Crime News મહિલા PSI અને ભાજપ કોર્પોરેટર વચ્ચે બબાલCrime News મહિલા PSI અને ભાજપ કોર્પોરેટર વચ્ચે બબાલ

Crime News મહિલા PSI અને ભાજપ કોર્પોરેટર વચ્ચે બબાલ

Crime News : અખબારનગર ફ્લેટમાં કારને થયેલા સામાન્ય નુકસાનની બાબતે મહિલા PSI, સ્થાનિક રહીશો અને ભાજપના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો એટલો બિચક્યો કે ઝપાઝપી અને ગંભીર આક્ષેપો સુધી પહોંચ્યો હતો. હાલ આ સમગ્ર વિવાદમાં બંને પક્ષો દ્વારા વાડજ પોલીસ સ્ટેશનમાં સામસામે અરજીઓ આપવામાં આવી છે.

પીએસઆઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી

અખબારનગર ફ્લેટમાં રહેતાં અને ગુજરાત પોલીસમાં PSI તરીકે ફરજ બજાવતાં કલ્પના જેઠવાની કારને દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાથી નુકસાન થયું હતું. આ મુદ્દે બીજા દિવસે સવારે સ્થાનિક રહીશ દેવાંગ પટેલ સાથે તેમની બોલાચાલી થઈ હતી.

ત્યારબાદ સાંજના સમયે સોસાયટીની ઓફિસ પાસે બંને પક્ષો વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર મામલે મહિલા PSI કલ્પના જેઠવાએ વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તેમણે નવા વાડજ વોર્ડના ભાજપના કોર્પોરેટર અને ફ્લેટના સેક્રેટરી વિરાટ પુરોહિત તેમજ સ્થાનિક રહીશ દેવાંગ પટેલ અને તેમની પત્ની હિરલ પટેલ સામે મારામારી અને છેડતી જેવા ગંભીર આક્ષેપો કર્યા છે. અરજીમાં તેમની સાથે અયોગ્ય વર્તન અને ઝપાઝપી થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભાજપના કોર્પોરેટર વિવાદમાં આવ્યા!

બીજી તરફ ભાજપના કોર્પોરેટર વિરાટ પુરોહિતે મહિલા PSI દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે જે સમયે ઝપાઝપી થઈ હતી તે સમયે તેઓ ઘટનાસ્થળે હાજર જ નહોતા. તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક રહીશ દેવાંગ પટેલે CCTV ફૂટેજ તપાસીને કારને થયેલા નુકસાનની ભરપાઈ કરવાની તૈયારી પણ દર્શાવી હતી. કોર્પોરેટરનો વધુમાં આક્ષેપ છે કે મહિલા PSI સોસાયટીની ઓફિસમાં આવી હતી અને ત્યાં તેમના માતા-પિતાને અપશબ્દો કહ્યા હતા.

એટલું જ નહીં, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ મામલે કોર્પોરેટર અને સ્થાનિક રહીશો દ્વારા પણ વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. આમ, ફટાકડાથી કારને થયેલા નુકસાન જેવી સામાન્ય બાબતથી શરૂ થયેલો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. એક તરફ મહિલા PSIએ મારામારી અને છેડતીના આક્ષેપ કર્યા છે, તો બીજી તરફ કોર્પોરેટર અને રહીશોએ ગાળાગાળી તથા ધમકીના આક્ષેપો કર્યા છે.

આ પણ વાંચો : Jamnagar News : જામનગરના બજરંગ ઢોસા સેન્ટરની ચટણીમાંથી મૃત વંદો મળ્યાની ફરિયાદ, ફૂડ શાખાની તપાસ બાદ ત્રણ દિવસ બંધ રાખવા સૂચના