Police Panchat : સંજય સિંહે કોના વહિવટ પર તરાપ મારી? ઈન્ફોસીટીના આશિષસિંહ કોના આશિષથી ટકી ગયા છે?



Police Panchat
Police Panchat : સંજય સિંહે કોના વહિવટ પર તરાપ મારી? ઈન્ફોસીટીના આશિષસિંહ કોના આશિષથી ટકી ગયા છે?



Police Panchat
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
K કંપનીમાંથી બહાર આવ્યા અને સંજયસિંહે તરત વહિવટ પર તરાપ મારી
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં વહિવટ લેવા માટે પડાપડી થતી હોય છે, તો આ વહિવટને લઈ ઘણા વહિવટદારો હજી કે કંપનીમાં ફરજ બજાવી રહ્યાં છે અને સજા ભોગવી રહ્યાં છે, તેની વચ્ચે કે કંપનીમાંથી નજીકના સમયમાં બહાર નિકળેલા સંજયસિંહ કે તેમણે સાબરમતી નદીની નજીક આવેલા એક પોલીસ સ્ટેનશનમાં વહિવટ લીધો છે અને પોલીસના સૂત્રો તરફથી વાત કરીએ તો આ સંજયસિંહને કે કંપનીમાંથી બહાર લાવવા માટે જાણીતી એજન્સીના એક કર્મચારીએ તેનો ઓર્ડર કરાવ્યો અને સંજયસિંહને વહિવટ અપાવ્યો છે.
તો જે પોલીસ સ્ટેશનનો વહિવટ લીધો છે તે પોલીસ સ્ટેશનના પીઆઈએ અત્યારસુધી 2 વહિવટદાર તો બદલી નાખ્યા છે અને ત્રીજા વહિવટદાર તરીકે સંજયસિંહને રાખ્યા છે, તો દારૂના વિવાદમાં રહેતા આ પોલીસ સ્ટેશનમાં વારંવાર પીઆઈ કેમ વહિવટદાર બદલી નાખે છે તેને લઈ પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાત પોલીસે રાજયવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નોંધાવ્યો રેકોર્ડ
રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા તથા જોખમી વાહન વ્યવહાર સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સ્તરે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસો નોંધી રૂ.5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે. તો બીજી તરફ રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તા. 1 લી સપ્ટેમ્બરથી આગામી તા.14ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના તથા ચેડાં કરેલી/અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે કડક રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
રાજ્યભરમાં ‘રોંગ સાઈડ ડ્રાઇવિંગ’ અને ‘ઓવર સ્પીડિંગ’ જેવા જીવલેણ ટ્રાફિક ઉલ્લંઘનો સામે તા. 01-08-2026 થી તા. 31-08-2026 દરમિયાન વિશેષ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત રોંગ સાઈડ ડ્રાઇવિંગના 36,159 કેસો નોંધી કુલ રૂ. 3,64,52,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે અને ઓવર સ્પીડિંગના 28,0983 કેસો નોંધી કુલ રૂ.1,69,26,900 નો દંડ વસૂલવામાં આવ્યો છે. આમ ઓગસ્ટ માસમાં કુલ 74,242 કેસો નોંધીને રૂ. 5,33,78,900 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વર્ષોથી એક હથ્થું વહિવટ કરતા આશિષસિંહને કયા અધિકારીના આશીર્વાદ ?
આમ તો અમે પોલીસ પંચાતમાં અમદાવાદ શહેર પોલીસની વાતો લખતા હોઈએ છીએ અને અધિકારીઓ અને નાની પોલીસ સુધી આ માહિતી પહોંચતી પણ હોય છે, પણ આજે અમે ગાંધીનગરની વાત એટલા માટે લખી કે, એક પોલીસકર્મી કે જેનું નામ આશિષસિંહ છે, તો આશિષસિંહ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું ત્યારથી આજ દિન સુધી એક હથ્થું વહિવટ કરતા હોય તેવી વાત સૂત્રો તરફથી મળી છે, અધિકારીઓના આશીર્વાદ સમજો કે પછી આશિષસિંહ બાપુનો દબદબો સમજો પણ વહિવટ તો આશિષસિંહ જ કરશે.
તો ગાંધીનગર પોલીસબેડામાં પણ ચર્ચા ચાલી રહી છે કે, આશિષસિંહ જેવું નસીબ અમારૂ હોત તો સારૂ હોત.. આશિષસિંહ આપના સંપર્ક તો એવા છે કે એમને હમણા કોઈ છેડી નથી રહ્યું પણ નવા આવેલા DGP સાહેબની પારખુ નજર ‘આશિષ’ ની જગ્યા પર કઈ બીજુ ના કરી નાખે !
શાબાશ ગુજરાત પોલીસ, તમારી આ વાત પર ગર્વ થવું જ જોઈએ
રાજ્યમાં વર્ષ 2022 થી ઓગસ્ટ 2026 દરમિયાન પોક્સો અદાલતો દ્વારા કુલ 1785 ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં 908 ગુનેગારોને આજીવન કેદ અને 16 નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અદાલતી ચુકાદાઓની સંખ્યામાં વર્ષ દર વર્ષે નોંધપાત્ર વધારો થયો છે જેમાં વર્ષ 2022 માં 194 ચુકાદામાં 107 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2025 માં 499 ચુકાદામાં 340 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2026 ઓગસ્ટ સુધીમાં એટલે કે ચાલુ વર્ષે આઠ મહિનામાં 346 ચુકાદામાં 241 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
નોંધનીય છે કે, માત્ર ઓગસ્ટ મહિનાના એક જ મહિનામાં 48 પોક્સો કેસમાં સજાના ચુકાદા આવ્યા છે તે પૈકી 35 ને આજીવન કેદની સજા ફટકારાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં 140 પોક્સો ગુનામાં પોલીસે એક દિવસથી લઈને 15 દિવસમાં ચાર્જશીટ કરી છે. 16 થી 30 દિવસમાં તપાસ પૂર્ણ કરીને 1339 ગુનાઓમાં ચાર્જશીટ કરી દેવાઈ છે. તેવી જ રીતે 31 થી 45 દિવસની ચાર્જશીટ કરી હોય તેવા 5463 ગુનાઓ છે. જે પોલીસ દ્વારા આ પ્રકારના કેસોમાં દાખવવામાં આવતી ગંભીરતા અને તેમાં તપાસની ઝડપ દર્શાવે છે.
પોલીસની રાત્રિની ડ્રાઈવ પર રોક લાગી કે શું!
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ મિડનાઈટ કોમ્બિંગ ડ્રાઈવ અચાનક બંધ કરી દેવામાં આવતા પોલીસબેડામાં ચર્ચા શરૂ થઈ છે. ડ્રાઈવ શરૂ થયા બાદ કેટલાક અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી હતી. રાત્રિના સમયે પોલીસની સતત હાજરી અને તપાસને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં પોલીસનો ભય ઊભો થયો હોવાનું પણ ચર્ચાતું હતું.
જોકે, સમય જતાં કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન થયેલી કેટલીક કામગીરીને લઈને પોલીસકર્મીઓથી લઈને અધિકારીઓની કામગીરી અંગે રજૂઆતો અને ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યાની ચર્ચા શરૂ થઈ હતી. ખાસ વાત એ છે કે 15 ઓગસ્ટ પહેલાં જ મિડનાઈટ કોમ્બિંગ ડ્રાઈવ અચાનક બંધ કરી દેવામાં આવી. જેના કારણે હવે પોલીસબેડામાં સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જો ડ્રાઈવ પૂર્ણ કરવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નહોતી, તો પછી તેને અચાનક પૂર્ણ કેવી રીતે ગણવામાં આવી? હાલ મિડનાઈટ કોમ્બિંગ ડ્રાઈવ બંધ થવા પાછળનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





