ONGC Oil Theft: ONGCની પાઈપલાઈનમાંથી 8,000 લીટર ક્રૂડ ઓઈલની ચોરીનો પર્દાફાશ, ગુજરાત ATSએ 6 આરોપીને ઝડપ્યા


અમદાવાદમાં ક્રૂડ ઓઈલની ચોરીનો પર્દાફાશ
ONGC Oil Theft: ONGCની પાઈપલાઈનમાંથી 8,000 લીટર ક્રૂડ ઓઈલની ચોરીનો પર્દાફાશ, ગુજરાત ATSએ 6 આરોપીને ઝડપ્યા


અમદાવાદમાં ક્રૂડ ઓઈલની ચોરીનો પર્દાફાશ
ONGC Oil Theft: ગુજરાત ATS દ્વારા ONGCની ઓઈલ પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઈલની ચોરી કરી વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આશરે 8,000 લીટર ક્રૂડ ઓઈલ સહિત કુલ રૂપિયા 22.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીની મિલીભગતથી ઓઈલની ચોરી કરવામાં આવી
ગુજરાત ATSને બાતમી મળી હતી કે અમદાવાદના દાણીલીમડા વિસ્તારના કેટલાક શખ્સો અને ONGCના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીની મિલીભગતથી ઓઈલની ચોરી કરવામાં આવી રહી છે. ચોરી કરેલું ક્રૂડ ઓઈલ ONGCના ટેન્કરમાં ભરી અમદાવાદના વિંઝોલ રિંગ રોડ પાસે આયોજનનગર વિસ્તારમાં આવેલા પાર્કિંગ પ્લોટમાં અન્ય વાહનોમાં ખાલી કરી વેચાણ કરવામાં આવતું હતું. બાતમીના આધારે ATSની ટીમે વટવા GIDC, વિંઝોલ રિંગ રોડ પાસે પંચરત્ન ફ્લોરા ફ્લેટની પાછળ આવેલા પાર્કિંગ પ્લોટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ONGC લખેલા ટેન્કરમાંથી આઈશર ટ્રકમાં રાખેલા ટાંકામાં પાઈપ મારફતે ક્રૂડ ઓઈલ ખાલી કરવામાં આવતું હોવાનું મળી આવ્યું હતું.
8,000 લીટર ક્રૂડ ઓઈલ ચોરી કરવામાં આવ્યું
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઈલ કુવા નંબર 26 પરથી કેશિંગ વાલ્વ અને ફાઈટર પંપની મદદથી આશરે 8,000 લીટર ક્રૂડ ઓઈલ ચોરી કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. પોલીસે ONGCના ટેન્કરમાંથી 4,500 લીટર અને આઈશર ટ્રકના ટાંકામાંથી 3,500 લીટર ક્રૂડ ઓઈલ કબજે કર્યું છે, જેની કિંમત આશરે રૂપિયા 4 લાખ છે. આ ઉપરાંત ONGC ટેન્કર, આઈશર ટ્રક, પાંચ મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલા સાધનો સહિત કુલ રૂપિયા 22.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે ગુજરાત ATS પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા છ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ઉસ્માન ઉર્ફે ટિકડીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.




