Ahmedabad : નરોડામાંથી 1.85 કિલો મેફેડ્રોન સાથે યુવાન ઝડપાયો, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹9.25 કરોડ


Ahmedabad
Ahmedabad : નરોડામાંથી 1.85 કિલો મેફેડ્રોન સાથે યુવાન ઝડપાયો, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹9.25 કરોડ


Ahmedabad
Ahmedabad : અમદાવાદમાં ડ્રગ્સ સામેની કાર્યવાહી દરમિયાન નરોડા વિસ્તારમાંથી એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 1,850 ગ્રામ મેફેડ્રોન નામનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹9.25 કરોડ છે.
નાઈજીરિયન વ્યક્તિએ ડ્રગ્સ લાવવા માટે ચંદીગઢ મોકલ્યો હતો
મળતી માહિતી મુજબ, 17મી તારીખે NDPS વિભાગ દ્વારા નરોડા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન નિખિલેશ રમેશ કૃષ્ણપ્પા નામના 24 વર્ષીય યુવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ બોરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નિખિલેશને ફ્રેન્ક નામના નાઈજીરિયન વ્યક્તિએ ડ્રગ્સ લાવવા માટે ચંદીગઢ મોકલ્યો હતો. ચંદીગઢ પહોંચ્યા બાદ બે નાઈજીરિયન નાગરિકોએ તેને મેફેડ્રોનનો જથ્થો આપ્યો હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ આરોપી બસ મારફતે ગાઝિયાબાદ અને જયપુર થઈને અમદાવાદ આવ્યો હતો.
પોલીસે NDPS કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ પહોંચ્યા બાદ પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી મોટી માત્રામાં મેફેડ્રોન મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કમાં સામેલ હોવાના આરોપમાં નિખિલેશને આ પ્રવાસ માટે ₹1 લાખ મળવાના હતા. પોલીસે જપ્ત કરાયેલા ડ્રગ્સનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ NDPS કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ડ્રગ્સ સપ્લાય કરનાર અને સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ
આ કેસમાં ફ્રેન્ક નામના મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ચંદીગઢથી અમદાવાદ સુધી ડ્રગ્સ કેવી રીતે પહોંચાડવામાં આવ્યું અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી ડ્રગ્સના સ્ત્રોત, સપ્લાય ચેન અને સંભવિત અન્ય આરોપીઓ અંગે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : IPS-SPS Transfer : ગુજરાતના 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPSને ASP તરીકે પોસ્ટિંગ





