Police Panchat : ડ્રગ્સના દુષણ નાથવાની વાત વચ્ચે નાઈટ ડ્રાઈવ કેમ ઢીલી પડી? પોલીસ અધિકારીની લેવીશ લાઈફથી વહિવટદાર કંટાળી ગયો!


Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ
Police Panchat : ડ્રગ્સના દુષણ નાથવાની વાત વચ્ચે નાઈટ ડ્રાઈવ કેમ ઢીલી પડી? પોલીસ અધિકારીની લેવીશ લાઈફથી વહિવટદાર કંટાળી ગયો!


Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
પોલીસ થાકી ગઈ કે શું નાઈટ ડ્રાઈવ કેમ બંધ થઈ ગઈ ?
અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા મોડી રાત્રે નાઈટ પેટ્રોલિંગની અને વાહન ચેકિંગની શરૂઆત કરવામાં આવી હતી, સાથે સાથે સિંધુ ભવન જેવા પોશ વિસ્તારમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ પણ યોજાતી હતી જેમાં બ્લેક ફિલ્મ હોય તેવા વાહનોને ડિટેઈન પણ કરવામાં આવતા હતા, પણ આ ડ્રાઈવ પર અચાનક રોત લાગી ગઈ છે, મહત્વની વાત છે કે પોશ વિસ્તારમાં દારૂનો નશો કરીને ઘણા લોકો ફરતા હોય છે તેવી માહિતી પોલીસના સૂત્રો તરફથી મળી રહી છે, અને નબીરાઓને સુધારવા અને કાયદાનો પાઠ ભણાવવો પણ જરૂરી છે. ત્યારે આ નાઈટ ડ્રાઈવર અચાનક બંધ થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે.
પોલીસ જો નાઈટ ડ્રાઈવ આખા અમદાવાદ શહેરમાં ચાલુ રાખે તો અસામાજિક તત્વોમાં પણ ફફડાટ રહે સાથે સાથે જે લોકો નશો કરીને છાટકા બને છે તે લોકોમાં પણ એક ડરનો માહોલ રહે છે અને ચોરી જેવી ઘટના પણ અટકી શકે છે, તો નાઈટ ડ્રાઈવ અધિકારીઓને હાજર રાખીને શરૂ કરાય તે જરૂરી છે. આ ડ્રાઈવમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ નહી પણ મોટા અધિકારીઓ પણ ફિલ્ડમાં રહે તે જરૂરી બન્યું છે.
બુટલેગરને મદદ કરવામાં બે PSI ની બદલી આવી કે પછી ડ્રગ્સ કેસના આરોપીને સારી સુવિધા આપવામાં?
અમદાવાદ શહેરના છેવાડે આવેલું એક પોલીસ સ્ટેશન કે જે વિવાદોમાં ઘેરાતું રહેતું હોય છે, ત્યારે એક ઉચ્ચ અધિકારીએ એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પીએસઆઈની તાત્કાલિક ટ્રાફિક વિભાગમાં બદલી કરી નાખી છે, તો પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, બુટલેગરને મદદ કરવામાં આ બે પીએસઆઈનો મહત્વનો રોલ હતો અને તે વાત ઉચ્ચ અધિકારીને ધ્યાને આવતા તેમની બદલી કરાઈ છે, તો બીજી વાત એ પણ વહેતી થઈ છે કે, મોટા ડ્રગ્સ કેસના આરોપીને સારી સુવિધા આપવા માટે તેમજ એક આરોપીને તે કેસમાં કોઈ રોલ નથી તેમ કહી છોડી દેવાના કેસમાં આ પીએસઆઈની બદલી આવી હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે.
ત્યારે સત્યતા શું છે તે તો આ બે પીએસઆઈ જાણે. પણ સુધરી જજો તમે લોકો કેમકે આરોપી એ આરોપી જ હોય છે અને તેને સુવિધા આપવાની ના હોય પણ રૂપિયાની લાલચમાં તમે કંઈ પણ કરી નાખો છો, ત્યારે પોલીસને લાંછન લગાડનારા આવા અધિકારીની બદલી જિલ્લામાં કરવી જોઈએ જેથી અન્ય અધિકારીઓને પણ પાઠ મળે અને ડ્રગ્સ કેસનો આરોપી હોય કે બુટલેગર હોય તેને તો છોડવો જ ના જોઈએ, કેમકે ગુજરાત પોલીસ ડ્રગ્સને લઈ ખાસ મુહિમ ચલાવી રહી છે.
એક PI "લેવિશ લાઈફ" જીવવા માટે ટેવાયેલા છે કે શું? IPS જેવો રોલો રાખવો અને વહિવટદાર પણ સેવા કરીને કંટાળી ગયો કે શું!
અમદાવાદ શહેરના એસજી હાઈવે પર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પીઆઈ કે જેઓ લેવિશ લાઈફ જીવી રહ્યાં છે તેવી વાત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે. કેમકે આ પીઆઈને કોઈ મોળી વાત કે કોઈ મોળી વસ્તુ ગમતી જ નથી જેના કારણે વહિવટદાર પણ ધંધે લાગી ગયો છે. જી હા આ પીઆઈ આઈપીએસ અધિકારીને પણ ટક્કર આપે તેવી લાઈફ જીવી રહ્યા છે અને વહિવટદારને વર્ધીઓના આશીર્વાદ આપી રહ્યાં છે.
તો વહિવટદારની નોકરી પણ જાણીતા ગાર્ડનની નજીક આવેલા એક પોલીસ સ્ટેશનમાં છે, તો વહિવટદાર પણ પીઆઈની વર્ધી ભરીને થાકી ગયો છે પણ હવે કરવું તો શું કરવું તેવો સવાલ ઉભો થયો છે કેમકે, વહિવટનો ચસકો છૂટતો નથી અને સેવા પણ કરવી છે, તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો આ પીઆઈ પાસે એવી કલાકારી છે કે તેઓને કોઈ ફોટો પડાવવો હોય તો તેઓ અમદાવાદ શહેરના ટોપ ફોટોગ્રાફર હોય તેની પાસે જ ફોટો પડાવે બાકી તે ફોટો પણ ના પડાવે અને ખર્ચો તો વહિવટદારને જ આપવો પડે ને ભાઈ, પણ અમારા ભાઈ "ભી" ને પણ "ખુ"રશી ના મોહ સાથે વહિવટનો મોહ છે તે પણ નક્કી છે.
K કંપનીના કર્મચારીઓના ઓર્ડર કેમ અટકી ગયા?
K કંપનીના કર્મચારીઓના બદલીના ઓર્ડરને લઈને હાલ પોલીસ વિભાગમાં ચર્ચા જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં અગાઉની વહીવટી વ્યવસ્થાથી લઈને હાલની વ્યવસ્થા સુધી અનેક પોલીસકર્મીઓ K કંપનીમાં લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. આ પૈકી કેટલાક કર્મચારીઓ ત્રણ વર્ષથી પણ વધુ સમયથી એક જ કંપનીમાં ફરજ બજાવી રહ્યા હોવાની ચર્ચા છે. નવા ઉચ્ચ અધિકારીએ અમદાવાદ શહેરની કમાન સંભાળ્યા બાદ લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસકર્મીઓમાં હવે બદલીની આશા જાગી હતી. ઘણા કર્મચારીઓ એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે નવી વહીવટી વ્યવસ્થામાં K કંપનીમાંથી પણ ફેરબદલ કરવામાં આવશે અને તેમને અન્ય જગ્યાએ ફરજ સોંપવામાં આવશે.જોકે, અત્યાર સુધી K કંપનીમાંથી એકસાથે કોઈ મોટી બદલી થઈ નથી.
જેના કારણે લાંબા સમયથી અહીં ફરજ બજાવતા કર્મચારીઓમાં બદલીના ઓર્ડરને લઈને ચર્ચા વધી છે. ખાસ કરીને ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી K કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓની નજર હવે આગામી વહીવટી નિર્ણય પર છે. પોલીસ વિભાગમાં ચોક્કસ સમયગાળા બાદ કર્મચારીઓની ફરજ અને પોસ્ટિંગમાં ફેરફાર થતો રહે છે. આવા ફેરફારો પાછળ વહીવટી જરૂરિયાત, સ્ટાફની ઉપલબ્ધતા, કામગીરીની જરૂરિયાત અને વિભાગીય નિર્ણય જેવા વિવિધ પરિબળો હોઈ શકે છે.
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો શાનદાર પ્રારંભ
દેશના તમામ પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા અને પરસ્પર ભાઈચારો વધારવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’નો પ્રારંભ થયો છે. ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવનો રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે દેશભરમાંથી પધારેલા ખેલાડીઓ, અધિકારીઓને આવકારતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને આ રાષ્ટ્રીય ક્લસ્ટરની યજમાની મળી છે.
જે સમગ્ર પોલીસ પરિવાર માટે ગૌરવની વાત છે. કેરળ અને ઉત્તર પ્રદેશ પોલીસે શરૂ કરેલી આ પરંપરાને આગળ ધપાવતા 10 કેન્દ્રીય પોલીસ સંગઠનો, 24 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 38 ટીમોની આ સહભાગિતા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને જીવંત કરે છે. સ્પર્ધામાં 251 મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે, જેઓ કાયદો-વ્યવસ્થાની ફરજોની સાથે રમતના મેદાનમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા મલિકે પોતાના રાજ્ય અને દળના ગૌરવ માટે પૂરા જોશથી રમવા, વર્દીની ઓળખ સમા અનુશાસન સાથે અમ્પાયરોના નિર્ણયોનું સન્માન કરવા અને સાચી ખેલદિલી જાળવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે રમતના મેદાનમાં કોઈ ક્યારેય હારતું નથી; વ્યક્તિ કાં તો જીતે છે અથવા કંઈક નવું શીખે છે. તેમણે આયોજન સમિતિ, વિવિધ વ્યવસ્થાપન સમિતિઓ અને સ્વયંસેવકોની મહેનતની સરાહના કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




