Ahmedabad News: નરોડા NDPS કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, નાઈજિરિયન માસ્ટરમાઇન્ડ કેરળથી ઝડપાયો


Ahmedabad News
Ahmedabad News: નરોડા NDPS કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, નાઈજિરિયન માસ્ટરમાઇન્ડ કેરળથી ઝડપાયો


Ahmedabad News
Ahmedabad News: અમદાવાદમાં નરોડા પોલીસે NDPS કેસમાં મોટી કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા નાઈજિરિયન નાગરિક સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઈન્ડ વોટ્સએપ કોલિંગ મારફતે ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો હતો.
1,850 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
મળતી માહિતી મુજબ, પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર-2ના માર્ગદર્શન હેઠળ નરોડા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. ગત 17 સપ્ટેમ્બરના રોજ નાના ચિલોડા સર્કલ પાસેથી નિખિલેશ કૃષ્ણપ્પા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 1,850 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની સ્થાનિક બજાર કિંમત રૂપિયા 55.50 લાખ, જ્યારે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 9 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.
પોલીસે આરોપીને કેરળના કોલ્લમથી ઝડપી પાડ્યો
આ મામલે વધુ તપાસ દરમિયાન પોલીસની ટીમ બેંગલુરુ પહોંચી હતી, જ્યાંથી મૂળ મેઘાલયના વિશાલ સિમાલાઈ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને આરોપીઓની પૂછપરછમાં ચાર્લ્સ ઉર્ફે ફ્રેન્ક ઓકોદિલ નામના નાઈજિરિયન નાગરિકનું નામ સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી મુખ્ય આરોપી ચાર્લ્સ ઉર્ફે ફ્રેન્કને કેરળના કોલ્લમથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ મુજબ, ફ્રેન્ક વોટ્સએપ કોલિંગ દ્વારા ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. તે પોતે સીધી રીતે ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ થવાને બદલે ડ્રગ્સના બંધાણીઓ અને સેવન કરનારાઓને નેટવર્કમાં સામેલ કરીને તેમની પાસે ડિલિવરી અને કુરિયરનું કામ કરાવતો હતો.
2021થી બેંગલુરુમાં રહીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, ફ્રેન્ક વર્ષ 2019માં બિઝનેસ વિઝા પર ભારત આવ્યો હતો. શરૂઆતમાં દિલ્હી અને ત્યારબાદ વર્ષ 2021થી બેંગલુરુમાં રહીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. વર્ષ 2022માં તેની સામે કેરળના કોઝિકોડમાં NDPS એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો હતો. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અને ડ્રગ્સના સપ્લાય અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.




