Ahmedabad News: નારણપુરામાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર સાથે 20થી 25 લોકોના ટોળાનો હુમલો


મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મારામારી
Ahmedabad News: નારણપુરામાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર સાથે 20થી 25 લોકોના ટોળાનો હુમલો


મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મારામારી
Ahmedabad News: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મારામારી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. જાહેરમાં બેસીને દારૂ પીવાની પ્રવૃત્તિનો સ્થાનિકોએ વિરોધ કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ તલવાર અને અન્ય હથિયારો સાથે 20થી 25 લોકોનું ટોળું ગામમાં ધસી આવ્યું હતું અને સ્થાનિકો પર જીવલેણ હુમલો કર્યો હતો.
કેટલાક લોકો જાહેરમાં બેસીને દારૂ પી રહ્યા હતા
મળતી માહિતી મુજબ, નારણપુરા વિસ્તારમાં કેટલાક લોકો જાહેરમાં બેસીને દારૂ પી રહ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વાતનો ખાર રાખીને અસામાજિક તત્વોએ મોટી સંખ્યામાં એકઠા થઈ હુમલો કરવાની યોજના બનાવી હતી. મોડી રાત્રે તલવાર અને અન્ય હથિયારો સાથે 20થી 25 લોકોનું ટોળું ગામમાં ઘૂસી આવ્યું હતું. ટોળાએ વિસ્તારમાં ભારે હોબાળો મચાવી અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, તલવાર અને અન્ય હથિયારો વડે ગામના લોકો પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો. અચાનક થયેલા આ હુમલાને પગલે સ્થાનિકોમાં નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાએ સ્થાનિકોની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઊભા કર્યા
જાહેરમાં દારૂ પીવાની પ્રવૃત્તિનો વિરોધ કરવો સ્થાનિકોને ભારે પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અસામાજિક તત્વો દ્વારા આ રીતે ટોળું બનાવીને હુમલો કરવામાં આવતાં વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ સ્થાનિકોની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં નારણપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હુમલામાં સામેલ શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા સહિતની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હવે પોલીસ દ્વારા આરોપીઓ સામે કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે.
આ પણ વાંચો: Amreli Car Accident: અમરેલીના લીલીયા-અમરેલી માર્ગ પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણને ઈજા




