Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad Crime Branch : બ્લડ પ્રેશરની નકલી દવાઓ બનાવી આંતરરાજય સિન્ડીકેટ રચી દવાનું વેચાણ કરતી ગેંગનો કરાયો પર્દાફાશ

Ahmedabad Crime Branch : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રની સંયુક્ત કાર્યવાહીમાં નકલી BPની દવાઓ બનાવવાના અને વેચાણ કરવાના કથિત આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 27 Aug 2026 04:11 PM IST
Ahmedabad Crime Branch : બ્લડ પ્રેશરની નકલી દવાઓ બનાવી આંતરરાજય સિન્ડીકેટ રચી દવાનું વેચાણ કરતી ગેંગનો કરાયો પર્દાફાશAhmedabad Crime Branch : બ્લડ પ્રેશરની નકલી દવાઓ બનાવી આંતરરાજય સિન્ડીકેટ રચી દવાનું વેચાણ કરતી ગેંગનો કરાયો પર્દાફાશ

Ahmedabad Crime Branch Fake Medicine

Ahmedabad Crime Branch : સમગ્ર મામલે અમદાવાદ અને ઉત્તર પ્રદેશના લખનઉ સાથે સંકળાયેલા કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ‘NICARDIA RETARD 10’ નામની દવા અંગે ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ દવા NIFEDIPINE Sustained Release Tablets IP 10mg તરીકે દર્શાવવામાં આવી હતી. દવાની બનાવટી પ્રોડક્ટ બજારમાં વેચાતી હોવાની ફરિયાદને પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

તપાસ દરમિયાન અમદાવાદ શહેર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં આવેલા મેડિકલ સ્ટોર્સમાંથી આ દવાનો સ્ટોક મળી આવ્યો હતો. તપાસ આગળ વધારતાં અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી એક મેડિકલ એજન્સીમાંથી આ દવાનો સ્ટોક સપ્લાય થયો હોવાનું સામે આવ્યું હતું.

આ સ્ટોક ઉત્તર પ્રદેશના લખનઉ શહેરથી સપ્લાય થતો હોવાની માહિતી તપાસમાં મળી હતી. તપાસ દરમિયાન નડિયાદ અને ભુજ સહિતના વિસ્તારોમાંથી પણ સંબંધિત દવાનો સ્ટોક મળી આવ્યો હતો. તપાસમાં કેટલાક સ્ટોકનો સપ્લાય લખનઉ તેમજ જયપુર સાથે જોડાયેલો હોવાની માહિતી સામે આવી હતી.

મેડિકલ સ્ટોર સુધી પહોંચતી હતી નકલી BPની દવા

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અસલી કંપનીની પ્રોડક્ટ જેવા જ નામ, લેબલ અને બેચ નંબરનો ઉપયોગ કરીને બનાવટી દવા તૈયાર કરી તેને અલગ-અલગ મેડિકલ સ્ટોર્સ સુધી પહોંચાડતા હોવાના આક્ષેપ છે. આ રીતે ગ્રાહકો માટે અસલી અને નકલી દવા વચ્ચેનો તફાવત ઓળખવો મુશ્કેલ બને તેવી રીતે દવાનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદમાં નોંધાયું છે.

આ કેસમાં 26 ઓગસ્ટ 2026ની રાત્રે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદનો એક આરોપી હોલસેલ દવાનો વેપાર કરતો હોવાનું અને બનાવટી દવાનો સ્ટોક અમદાવાદ તથા અન્ય શહેરોમાં સબ-ડિસ્ટ્રિબ્યુટર્સને વેચતો હોવાનો આરોપ છે.

નકલી BP દવાના આંતરરાજ્ય નેટવર્ક સામે પોલીસનો સપાટો

જ્યારે લખનઉના બે આરોપીઓમાંથી એક નકલી દવા ખરીદી ગુજરાતમાં સપ્લાય કરતો હોવાનું અને બીજો દવા ખરીદી ગુજરાતમાં સપ્લાય કરાવી કમિશન મેળવતો હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓમાંથી બે વ્યક્તિ અગાઉ જૂન 2026માં મહારાષ્ટ્રના પુણે શહેરમાં ડુપ્લીકેટ દવાના કેસમાં પણ પકડાઈ ચૂક્યા છે. એક આરોપી સામે અગાઉ GST કાયદા હેઠળનો કેસ પણ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. નકલી દવાનું ઉત્પાદન ક્યાં થતું હતું, તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને ગુજરાતમાં આ દવાઓનું કેટલા વિસ્તારોમાં વિતરણ થયું છે તે અંગે તપાસ ચાલુ છે. પોલીસની અલગ-અલગ ટીમોને અમદાવાદ ઉપરાંત જયપુર, લખનઉ અને અન્ય જિલ્લાઓમાં તપાસ માટે મોકલવામાં આવી છે.

આ પણ વાંચો : GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં 88,626 ટિકિટોનું ઐતિહાસિક એડવાન્સ બુકિંગ નોંધાયું

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.