Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : 24 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસતા ફરતા ઈનામી આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Ahmedabad : રાજસ્થાનના પાલી જિલ્લામાં વર્ષ 2002માં થયેલી હત્યાના ગુનામાં આરોપી પોતાની ઓળખ છુપાવી છેલ્લા 24 વર્ષથી અલગ-અલગ સ્થળોએ રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરી પોલીસથી બચતો ફરતો હતો.
Kunjan ShuklaUpdated on: 20 Sep 2026 02:41 PM IST
Ahmedabad : 24 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસતા ફરતા ઈનામી આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડAhmedabad : 24 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસતા ફરતા ઈનામી આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Ahmedabad

Ahmedabad : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 24 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસતા ફરતા ઈનામી આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં વર્ષ 2002માં થયેલી હત્યાના ગુનામાં આરોપી પોતાની ઓળખ છુપાવી છેલ્લા 24 વર્ષથી અલગ-અલગ સ્થળોએ રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરી પોલીસથી બચતો ફરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

વેજલપુર વિસ્તારમાંથી આરોપી ઝડપાયો

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડુંગલી ગામમાં પિતૃક મિલકત અને ધંધાની અદાવતને લઈને કૌટુંબિક ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ અદાવતના કારણે દલારામ નાઈ નામના વ્યક્તિની હત્યા કરવાનો કથિત પ્લાન બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2002માં આરોપીઓ ટાટા સુમો ગાડી લઈને નીકળ્યા હતા. આ દરમિયાન દલારામ નાઈ મોટરસાયકલ પર પાલી-સાદડી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ડુંગલી બેરા ટીલાવા નજીક આરોપીઓએ તેમની મોટરસાયકલને ટાટા સુમો ગાડીથી જાણીજોઈને ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓના કારણે દલારામ નાઈનું મોત થયું હતું.

ત્રણ આરોપીઓ અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા હતા

હત્યા કર્યા બાદ આરોપીઓએ ઘટનાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. ટાટા સુમો ગાડી ઘટનાસ્થળે જ મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો અને હત્યાનું કાવતરું બહાર આવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા હતા. જ્યારે મુખ્ય આરોપી છેલ્લા 24 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળોએ રહેતો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ચોક્કસ માહિતી મેળવી હતી. ત્યારબાદ ટીમે વેજલપુર વિસ્તારમાં કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Anand ના પેટલાદમાં આકાશી આફત, વીજળી પડતાં એકસાથે 3 મકાન ધરાશાયી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.