Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 262મું અંગદાન, 5 દર્દીઓને મળશે નવજીવન

Organ Donation: મૃતકની પત્નીએ ભારે દુઃખની ઘડીમાં માનવતાભર્યો નિર્ણય લઈને અંગદાન માટે સંમતિ આપી હતી. આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો 262 પર પહોંચ્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 262મું અંગદાનઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 262મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 262મું અંગદાન

Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન સંપન્ન થયું છે. માર્ગ અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર થયેલા 62 વર્ષીય પુરુષના અંગદાનથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન અને દ્રષ્ટિની નવી આશા મળી છે. મૃતકની પત્નીએ ભારે દુઃખની ઘડીમાં માનવતાભર્યો નિર્ણય લઈને અંગદાન માટે સંમતિ આપી હતી. આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો 262 પર પહોંચ્યો છે.

તબીબોની ટીમે મૃતકને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા

અમદાવાદના રહેવાસી 62 વર્ષીય પુરુષને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં ગત 19 નવેમ્બરે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે 21 નવેમ્બર, 2026ના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઈનડેથની સ્થિતિ અંગે પરિવારને સમજાવ્યા બાદ સિવિલ હોસ્પિટલની કાઉન્સેલિંગ ટીમે અંગદાનના મહત્વ વિશે માહિતી આપી હતી. પતિના નિધનના દુઃખ વચ્ચે તેમની પત્નીએ અંગદાન માટે સંમતિ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

એક લીવર, બે કિડની અને બે આંખોનું દાન મળ્યું

આ અંગદાનમાં એક લીવર, બે કિડની અને બે આંખોનું દાન મળ્યું હતું. લીવર અને કિડની જરૂરિયાતમંદ દર્દીઓના પ્રત્યારોપણ માટે IKDRC ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યારે આંખો એમ.એન.જે. આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 871 અંગો અને 266 પેશીઓ મળી કુલ 1,137 દાન પ્રાપ્ત થયા છે. તેમાં 484 કિડની, 236 લીવર, 84 હૃદય, 34 ફેફસા, 25 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે. પેશીઓમાં 214 આંખો અને 52 સ્કિનનું દાન મળ્યું છે.

તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ પરિવારના નિર્ણયને બિરદાવતાં જણાવ્યું કે અંગદાન અનેક પરિવારોના જીવનમાં નવો ઉજાસ લાવે છે અને સમાજમાં વધતી જાગૃતિ તથા સિવિલ હોસ્પિટલની ટીમની નિષ્ઠાને કારણે અનેક દર્દીઓને નવું જીવન મળી રહ્યું છે.

આ પણ વાંચો: Himatnagar Groundnut Market: હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક, ખેડૂતોને રૂપિયા 2,227 સુધીના ભાવ મળ્યા