Ahmedabad Water Leakage: અમદાવાદમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર શુદ્ધ પાણી ગટરમાં વેડફાયું


Bhaipura Hatkeshwar Water Pipeline Leakage
Ahmedabad Water Leakage: અમદાવાદમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર શુદ્ધ પાણી ગટરમાં વેડફાયું


Bhaipura Hatkeshwar Water Pipeline Leakage
Ahmedabad Water Leakage: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં પીવાના પાણીનો બેફામ વેડફાટ થવાની ઘટના સામે આવી છે. 132 ફૂટ રિંગરોડના મોડેલ રોડ પર સેવન્થ ડે સ્કૂલ નજીક પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર શુદ્ધ પાણી રસ્તા પર વહીને ગટરમાં જતું રહ્યું હતું. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, તંત્રને જાણ કરવા છતાં સમારકામ માટે કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા નહોતા.
પાણીનો મોટો જથ્થો રસ્તા પર વહેવા લાગ્યો
મળતી માહિતી મુજબ, સેવન્થ ડે સ્કૂલ નજીકથી ધીરજ હાઉસિંગ તરફ જતા મુખ્ય માર્ગ પર વહેલી સવારે પાણી છોડવામાં આવતું હતું. તે દરમિયાન અચાનક પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડતાં પાણીનો મોટો જથ્થો રસ્તા પર વહેવા લાગ્યો હતો. સતત બે કલાક સુધી હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. સવારે 8 વાગ્યે પાણી છોડવાનું બંધ થયા બાદ પણ પાઈપલાઈનમાંથી પાણી લીક થતું રહ્યું હતું અને સીધું નજીકની ગટરમાં જતું હતું.
પાણી ભરાવાથી અવરજવરમાં પણ અડચણ ઊભી થઈ
પાણી રસ્તા પર ફેલાઈ જતાં ધીરજ હાઉસિંગ તરફ અવરજવર કરતા સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પીવાના શુદ્ધ પાણીનો કિંમતી જથ્થો વેડફાઈ રહ્યો છે તો બીજી તરફ માર્ગ પર પાણી ભરાવાથી અવરજવરમાં પણ અડચણ ઊભી થઈ છે. સ્થાનિક રહીશોએ આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના પાણી વિભાગને જાણ કરી હોવા છતાં સમારકામ માટે કોઈ કર્મચારી પહોંચ્યો ન હોવાનો આક્ષેપ કર્યો છે.
વધુ આશ્ચર્યની વાત એ છે કે ભંગાણવાળી જગ્યાથી માત્ર 300 ફૂટના અંતરે જ ભાઈપુરા જળ વિતરણ કેન્દ્રની ભૂગર્ભ ટાંકી આવેલી છે. તેમ છતાં તંત્રનું ધ્યાન આ સમસ્યા તરફ ન જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક લિકેજ બંધ કરી પાઈપલાઈનનું સમારકામ કરવાની માગ કરી છે.
આ પણ વાંચો: Jamnagar News: જામનગરમાં SOGનો દરોડો, 576 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો




