Gujarat Fake Doctors: બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ, 38 ઝડપાયા, 35 સામે FIR

Gujarat Fake Doctors: ગુજરાતમાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.
Kunjan Shukla
Action Against Gujarat Fake DoctorsAction Against Gujarat Fake Doctors

Action Against Gujarat Fake Doctors

Gujarat Fake Doctors: ગુજરાતમાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં 15 દિવસ સુધી ચલાવવામાં આવેલી વિશેષ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ 38 શંકાસ્પદ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. તેમાંથી 35 સામે પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવી છે.

કાર્યવાહી માટે 298 ટીમની રચના કરવામાં આવી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આ કાર્યવાહી માટે 298 ટીમોની રચના કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને આરોગ્ય કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને SOG સાથે સંયુક્ત તપાસ કરી હતી.

રાજકોટમાં સૌથી વધુ 17 બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી

જિલ્લાવાર કાર્યવાહીની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ 17 બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં 9, ગીર સોમનાથમાં 3 અને સુરેન્દ્રનગરમાં 2 સહિત અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. આમ, કુલ 35 અનધિકૃત તબીબો સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બોગસ ડોક્ટરોની પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લાવાર વિશેષ કમિટીઓ બનાવવામાં આવી છે. આ કમિટીઓ બાતમીના આધારે દરોડા પાડી રહી છે. દરોડાની જાણ થતાં કેટલાક શંકાસ્પદ તત્વો ક્લિનિક અને દવાખાના બંધ કરીને ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આવા લોકોની શોધખોળ અને સર્વેલન્સની કામગીરી ચાલુ છે.

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે દિવાળી અને તહેવારો બાદ પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શંકાસ્પદ વ્યક્તિ અંગે નજીકના PHC, CHC, પોલીસ સ્ટેશન અથવા SOGને જાણ કરે. તેમણે નાગરિકોને માત્ર માન્ય ડિગ્રી ધરાવતા અને રજિસ્ટર્ડ તબીબો પાસે જ સારવાર કરાવવાની સલાહ પણ આપી છે.

આ પણ વાંચો: Surat Liquor Raid: સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ, રૂપિયા 42.56 લાખનો મુદ્દામાલ જપ્ત