Ahmedabadમાં AMCના મેગા મેડિકલ કેમ્પમાં 17,439 OPD સારવાર, 10,568 લેબ ટેસ્ટ અને 1,170 HPV રસીકરણ



AMC Mega Medical Camp Ahmedabad
Ahmedabadમાં AMCના મેગા મેડિકલ કેમ્પમાં 17,439 OPD સારવાર, 10,568 લેબ ટેસ્ટ અને 1,170 HPV રસીકરણ



AMC Mega Medical Camp Ahmedabad
AMC Mega Medical Camp Ahmedabad: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 17 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ઝોનના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપરાંત નવા વાડજ અને ન્યૂ વાસણા અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

મેગા મેડિકલ કેમ્પ દરમિયાન વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા આરોગ્ય તપાસ અને નિદાનની સેવાઓ આપવામાં આવી હતી. કેમ્પમાં સગર્ભા માતાઓની તપાસ, 0થી 5 વર્ષના બાળકોનું રસીકરણ, લોહીની તપાસ, હાયપરટેન્શન અને ડાયાબિટીસ સ્ક્રીનિંગ ઉપરાંત સર્વાઇકલ, ઓરલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું.

17,439 નાગરિકોએ OPD સેવાનો લાભ લીધો
કેમ્પ દરમિયાન વિવિધ વિભાગોમાં કુલ 17,439 OPD સારવાર નોંધાઈ હતી. જેમાં જનરલ OPDમાં 10,478, ગાયનેક વિભાગમાં 1,145, મેડિકલ વિભાગમાં 1,593, બાળ વિભાગમાં 955, સર્જિકલ OPDમાં 519, હાડકાના વિભાગમાં 868, ચામડીના વિભાગમાં 1,060, આંખના વિભાગમાં 450 અને કાનના વિભાગમાં 371 કેસની સારવાર કરવામાં આવી હતી.

10,568 લેબ ટેસ્ટ, 609 એક્સ-રે અને 350 સોનોગ્રાફી
નાગરિકોને સ્થળ પર જ વિવિધ નિદાનાત્મક સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પમાં કુલ 10,568 લેબોરેટરી ટેસ્ટ, 609 એક્સ-રે અને 350 સોનોગ્રાફી કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને તૃતીયક કક્ષાની આરોગ્ય સુવિધા માટે રિફર કરવામાં આવ્યા હતા.

1,170 HPV અને 306 બાળકોનું રસીકરણ
રસીકરણ અભિયાન હેઠળ 0થી 5 વર્ષના 306 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે HPV રસીકરણના કુલ 1,170 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત હાયપરટેન્શનના 1,221 અને ડાયાબિટીસના 1,244 સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા. ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના 27 સ્ક્રીનિંગ તેમજ ટીબીના 261 સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય સુવિધાઓમાં સ્વચ્છતા અભિયાન
“સેવા સંકલ્પ અભિયાન”ના ભાગરૂપે 23 સપ્ટેમ્બરે અમદાવાદની વિવિધ આરોગ્ય સુવિધાઓ ખાતે સ્વચ્છતા અભિયાન પણ યોજાયું હતું. મેડિકલ કોલેજ હોસ્પિટલ, મ્યુનિસિપલ હોસ્પિટલ, અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર અને અર્બન આયુષ્માન આરોગ્ય મંદિરના આંતરિક પરિસર તથા પ્રાંગણમાં સર્વગ્રાહી સફાઈ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ઉપસ્થિત લોકોએ “સ્વચ્છતા શપથ” પણ લીધો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





