Ahmedabad Serial Blasts Case : સુપ્રીમ કોર્ટે દોષિત અહમદ બાવા ઉર્ફે અબ્બુ અબૂબકર બરેલવીની ફાંસી પર લગાવી રોક


Ahmedabad Serial Blasts Case
Ahmedabad Serial Blasts Case : સુપ્રીમ કોર્ટે દોષિત અહમદ બાવા ઉર્ફે અબ્બુ અબૂબકર બરેલવીની ફાંસી પર લગાવી રોક


Ahmedabad Serial Blasts Case
Ahmedabad Serial Blasts Case : 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષિત અહમદ બાવા ઉર્ફે અબ્બુ અબૂબકર બરેલવીની ફાંસીના અમલ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. 1 ઓક્ટોબર 2026ના રોજ આ મામલે સુનાવણી દરમિયાન આ આદેશ આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી
બરેલવીએ ગુજરાત હાઈકોર્ટના 7 જુલાઈ, 2026ના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે વિશેષ અદાલત દ્વારા આપવામાં આવેલી તેની દોષિત ઠરાવવાની સજા અને મૃત્યુદંડના નિર્ણયને યથાવત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન બરેલવીના વકીલે દલીલ કરી હતી કે તેમના અસીલને માત્ર કાવતરાના આધારે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ દલીલ બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. સાથે જ ટ્રાયલ કોર્ટના રેકોર્ડ પણ મંગાવ્યા છે અને આગામી આદેશ સુધી મૃત્યુદંડનો અમલ નહીં કરવા જણાવ્યું છે.
56 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ આતંકી હુમલામાં 56 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ફેબ્રુઆરી 2022માં વિશેષ અદાલતે 38 દોષિતોને મૃત્યુદંડ અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ 7 જુલાઈ, 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટે પણ 38 દોષિતોની ફાંસીની સજા અને 11ની આજીવન કેદની સજા યથાવત રાખી હતી. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અહમદ બરેલવીની ફાંસી પર હાલ પૂરતી રોક રહેશે. આ કેસમાં આગામી સુનાવણી અને ગુજરાત સરકારનો જવાબ મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો : Suratના AR મોલમાં યુવતીની છેડતીનો મામલો, CCTVના આધારે 20 વર્ષીય યુવકની ધરપકડ




