Ahmedabad Breaking : અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, થ્રેટ મેઇલથી તંત્ર દોડતું થયું



Ahmedabad Breaking
Ahmedabad Breaking : અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, થ્રેટ મેઇલથી તંત્ર દોડતું થયું



Ahmedabad Breaking
Ahmedabad Breaking : શહેરની DPS બોપલ, ઉદગમ સ્કૂલ અને ઝાયડસ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. ધમકીની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી.
વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે સ્કૂલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સ્કૂલના પરિસરનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
બાળકોને લેવા વાલીઓ શાળાએ પહોંચ્યા
આ સાથે અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં પણ બોમ્બ થ્રેટ અંગેનો મેસેજ મળ્યો હતો. ત્યારબાદ પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા સમગ્ર પરિસ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
ધમકીના સમાચાર ફેલાતા વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતા અને દોડધામ જોવા મળી હતી. ઝાયડસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓને મેસેજ મોકલી બાળકોને લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના પગલે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને બાળકોને સુરક્ષિત રીતે ઘરે લઈ ગયા હતા.
અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ સ્કૂલોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈપણ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હોય તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવાની રહેશે. સાથે જ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને પોલીસની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા સ્કૂલોને જણાવાયું છે. હાલ પોલીસ દ્વારા મળેલા ધમકીભર્યા ઈ-મેઇલની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો, તેની પાછળ કોણ છે અને ધમકી સાચી છે કે માત્ર ભય ફેલાવવાનો પ્રયાસ છે તે અંગે તપાસ ચાલી રહી છે.
ત્રણ સ્કૂલોને એકસાથે મળેલી ધમકી બાદ અમદાવાદનું સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો દ્વારા સ્કૂલ પરિસરમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં મુખ્ય પ્રાથમિકતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફની સુરક્ષા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ધમકીની વાસ્તવિકતા અંગે સ્પષ્ટતા થઈ શકશે. દરમિયાન વાલીઓને અફવાઓથી દૂર રહી પોલીસ અને શાળા તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Surat Police ની સરાહનીય કામગીરી, ₹1.87 લાખ રોકડ ભરેલી ગુમ બેગ વેપારીને પરત કરાઈ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



