Ahmedabadમાં 500 મેડિકલ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફે લીધી માર્ગ સલામતીની શપથ



Road Safety Awareness Ahmedabad
Ahmedabadમાં 500 મેડિકલ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફે લીધી માર્ગ સલામતીની શપથ



Road Safety Awareness Ahmedabad
Road Safety Awareness Ahmedabad: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદમાં માર્ગ સલામતીને લઈને વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તથા મોટર વાહન વિભાગ, ગુજરાતની પ્રેરણાથી આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ, રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટી અને સ્ટીલબર્ડના સંયુક્ત ઉપક્રમે તથા GMERS મેડિકલ કોલેજ, સોલા સિવિલ હોસ્પિટલના સહયોગથી ‘આવાસ યુથ રોડ સેફ્ટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ કેમ્પેઈન’ અંતર્ગત માર્ગ સલામતી અગ્રદૂત તાલીમ અને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં 500 મેડિકલ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફને માર્ગ સલામતી અગ્રદૂત તરીકે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ તમામે દેશની માર્ગ સલામતી સુધારવા અને વર્ષ 2047 સુધીમાં માર્ગ અકસ્માત મુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે શપથ લીધી હતી.

‘યુવા જાગૃત – દેશ જાગૃત’ના નારાથી ગુંજી ઉઠ્યું સભાગૃહ
કાર્યક્રમ દરમિયાન ‘યુવા જાગૃત – દેશ જાગૃત, યુવા સુરક્ષિત – દેશ સુરક્ષિત’, ‘માર્ગ સલામતી – જીવન રક્ષા’ અને ‘સર સલામત તો સબ સલામત’ જેવા નારાઓથી સભાગૃહ ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલે તાલીમ બાદ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીની શપથ લેવડાવી હતી. તેમણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત સાથે માર્ગ અકસ્માત મુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સૌને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે માર્ગ અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરી
કાર્યક્રમના મુખ્ય અતિથિ સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે માર્ગ અકસ્માતોને અટકાવવા સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે માર્ગ સલામતી માટે યોજાયેલા અભિયાનની પ્રશંસા કરી હતી અને યુવાનો સહિત તમામ માર્ગ વપરાશકર્તાઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. નારણપુરાના ધારાસભ્ય જિતેન્દ્રકુમારે પણ માર્ગ સલામતીને વ્યક્તિ અને પરિવારની સુરક્ષા સાથે જોડાયેલો મહત્વનો વિષય ગણાવી યુવાનોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી હતી.

500 વિદ્યાર્થીઓને તાલીમ સાથે નિઃશુલ્ક હેલ્મેટ
માર્ગ સલામતી તાલીમ પૂર્ણ થયા બાદ 500 મેડિકલ વિદ્યાર્થીઓ અને નર્સિંગ કર્મીઓને સ્ટીલબર્ડ દ્વારા નિર્મિત નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ પર માર્ગ સલામતી અંગેના સંદેશ પણ લખવામાં આવ્યા હતા. RTO અમદાવાદના અધિકારીઓએ દ્વિચક્રી વાહન પર કોલેજ આવતા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી.

ડૉ. વીરેન્દ્રસિંહ રાઠોડે માર્ગ સલામતી અંગે તાલીમ આપી
કાર્યક્રમમાં મુખ્ય તાલીમકાર તરીકે રાજસ્થાનના નાયબ પરિવહન કમિશનર (માર્ગ સલામતી) ડૉ. વીરેન્દ્રસિંહ રાઠોડે માર્ગ સલામતી અંગે તાલીમ આપી હતી. તાલીમ પહેલાં તેમણે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે 10 પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરી હતી. ત્યારબાદ ટ્રાફિક નિયમો, માર્ગ પરની સાવચેતી, અકસ્માત બાદ મદદ અને સલામત વાહનચાલન અંગે વિવિધ ઉદાહરણો સાથે માહિતી આપવામાં આવી હતી. ડૉ. રાઠોડે અકસ્માતગ્રસ્તોની મદદ માટે લોકોને આગળ આવવા અપીલ કરી હતી. સાથે જ ‘રાહવીર’ યોજના હેઠળ મળતા રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર અંગે પણ માહિતી આપી હતી.
અત્યાર સુધીમાં 40 હજાર માર્ગ સલામતી અગ્રદૂત બનાવ્યાનો દાવો
આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડના CSR સબ હેડ અમિત વ્યાસે જણાવ્યું હતું કે માર્ગ સલામતી અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સોસાયટીના સહયોગથી આશરે 40 હજાર માર્ગ સલામતી અગ્રદૂત બનાવવામાં આવ્યા છે અને તેમને માર્ગ સલામતી સંદેશવાળા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટીના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પી.સી. જૈને જણાવ્યું હતું કે સોસાયટી દ્વારા અત્યાર સુધીમાં આશરે 1.20 લાખથી વધુ લોકોને તાલીમ અને હેલ્મેટ આપી માર્ગ સલામતી અગ્રદૂત બનાવવામાં આવ્યા છે, જ્યારે આશરે 10 લાખ લોકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા છે.
તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને માર્ગ સલામતી પોકેટ બુક અપાઈ
કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીઓને માર્ગ સલામતી પોકેટ બુક અને તાલીમ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત કમિશનર પ્રશાંત માંગુડા, RTO અમદાવાદના બાલમુકુંદ, GMERS તથા સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





