Ahmedabad News: જ્વેલર્સની સુરક્ષા મુદ્દે પોલીસ કમિશનરની બેઠક, દિવાળીમાં વધશે પેટ્રોલિંગ


Ahmedabad News
Ahmedabad News: જ્વેલર્સની સુરક્ષા મુદ્દે પોલીસ કમિશનરની બેઠક, દિવાળીમાં વધશે પેટ્રોલિંગ


Ahmedabad News
Ahmedabad News: અમદાવાદમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ વેપારીઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જ્વેલર્સ અને વેપારીઓ સાથે ખાસ બેઠક યોજી સુરક્ષાને લગતા મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં તહેવારો દરમિયાન વેપારીઓની સુરક્ષા, સોના-ચાંદીની હેરફેર અને પોલીસ સાથે સંકલન જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વેપારીઓને અપીલ કરી હતી કે તહેવારો દરમિયાન પોલીસ સાથે યોગ્ય સંકલન જાળવે અને પોલીસ પર વિશ્વાસ રાખે. ખાસ કરીને સોના-ચાંદી અથવા અન્ય કિંમતી વસ્તુઓની હેરફેર કરતી વખતે પોલીસની મદદ લેવા સૂચન કર્યું હતું. કિંમતી વસ્તુઓની હેરફેર માટે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર સુરક્ષા સહાય પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
CCTV કેમેરા લગાવવા પોલીસ કમિશનરે વેપારીઓને અપીલ કરી
આ ઉપરાંત જ્વેલરીની દુકાનો અને આંગડિયા પેઢીઓની બહાર CCTV કેમેરા લગાવવા પોલીસ કમિશનરે વેપારીઓને અપીલ કરી હતી. CCTVના માધ્યમથી શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં સરળતા રહેશે.
બેઠક દરમિયાન DCP અને PI કક્ષાના અધિકારીઓને પણ પોતાના વિસ્તારમાં આવેલી જ્વેલરી દુકાનો અને આંગડિયા પેઢીના માલિકો સાથે સતત સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી.
દિવાળી દરમિયાન જ્વેલર્સ વેપારીઓની સુરક્ષા માટે શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે
પોલીસ કમિશનરે વેપારીઓને ખાસ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ખોટી ઓળખ આપીને બેગ ખોલવા અથવા કિંમતી વસ્તુઓ તપાસવાના બહાને શંકાસ્પદ પ્રવૃત્તિ કરે તો તેની સાથે સીધો વ્યવહાર કરવાને બદલે તાત્કાલિક પોલીસની મદદ લેવી.
દિવાળી અને નૂતન વર્ષ દરમિયાન જ્વેલર્સ વેપારીઓની સુરક્ષા માટે શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વેપારીઓ નિર્ભયતાથી વ્યવસાય કરી શકે તે માટે પોલીસ તંત્ર સતર્ક રહેશે.





