Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં રૂપિયા 275 કરોડથી વધુની જાહેર સંપત્તિના ઉપયોગ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, ABVPએ તપાસની માગ કરી

Ahmedabad : અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં દ્રોણાચાર્ય એકેડમી ઓફ શૂટિંગ એન્ડ આર્ચરી સહિત વિવિધ વિકાસકાર્યોમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા.
Kunjan ShuklaUpdated on: 01 Oct 2026 02:54 PM IST
Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં રૂપિયા 275 કરોડથી વધુની જાહેર સંપત્તિના ઉપયોગ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, ABVPએ તપાસની માગ કરીAhmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં રૂપિયા 275 કરોડથી વધુની જાહેર સંપત્તિના ઉપયોગ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, ABVPએ તપાસની માગ કરી

Ahmedabad

Ahmedabad : અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં દ્રોણાચાર્ય એકેડમી ઓફ શૂટિંગ એન્ડ આર્ચરી સહિત વિવિધ વિકાસકાર્યોમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ABVP દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે સંગઠને યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ અનેક સવાલો ઉઠાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

યુનિવર્સિટીની જમીન ખાનગી ક્લબને સોંપવામાં આવી હોવાનો આક્ષેપ

ABVPના દાવા મુજબ, ગુજરાત યુનિવર્સિટીમાં ટેનિસ એકેડમી, જીમ્નેશિયમ હોલ અને દ્રોણાચાર્ય એકેડમીના વિવિધ કામો માટે આશરે ₹37.92 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, યુનિવર્સિટીના રેકોર્ડ મુજબ વાસ્તવિક ખર્ચ આશરે ₹15.18 કરોડ થયો હોવાનું સંગઠનનું કહેવું છે. મંજૂર થયેલી રકમ અને થયેલા ખર્ચ વચ્ચેના તફાવતને લઈને પારદર્શિતા અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આશરે ₹200 કરોડથી વધુ બજાર કિંમત ધરાવતી યુનિવર્સિટીની જમીન ખાનગી ક્લબને સોંપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીની ગ્રાન્ટ, વિકાસ ફંડ અને વિદ્યાર્થીઓની ફીનો દુરુપયોગ થયો

બાંધકામ ખર્ચ અને જમીનની કિંમત સહિત ₹275 કરોડથી વધુની જાહેર સંપત્તિના ઉપયોગ અંગે ABVPએ તપાસની માગ કરી છે. સંગઠનનો વધુમાં આક્ષેપ છે કે, પૂર્વ સિન્ડિકેટ સભ્ય દ્વારા રાજકીય વગનો ઉપયોગ કરીને ખાનગી કંપની મારફતે ગેરકાયદેસર MOU કરવામાં આવ્યો હતો. એકેડમી સંબંધિત મૂળ દસ્તાવેજો યુનિવર્સિટીના રેકોર્ડમાં રાખવાને બદલે વ્યક્તિગત કબજામાં રાખવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે. યુનિવર્સિટીની ગ્રાન્ટ, વિકાસ ફંડ અને વિદ્યાર્થીઓની ફીનો દુરુપયોગ થયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

સ્વતંત્ર તપાસ અને સત્તાવાર પુષ્ટિ થવી જરૂરી

ABVPએ ગેરકાયદેસર MOU તાત્કાલિક રદ કરવા, મૂળ દસ્તાવેજો યુનિવર્સિટીના હસ્તક લેવા અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી વ્યાજ સહિત નાણાંની વસૂલાત કરવાની માગ કરી છે. સાથે જ દ્રોણાચાર્ય સ્પોર્ટ્સ એકેડમીનું સંચાલન ગુજરાત યુનિવર્સિટી પોતાના હસ્તક લઈ સામાન્ય વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને વિનામૂલ્યે સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી રજૂઆત કરી છે. ABVPએ ચીમકી આપી છે કે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે, આ તમામ બાબતો હાલ સંગઠન દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે, જેની સ્વતંત્ર તપાસ અને સત્તાવાર પુષ્ટિ થવી જરૂરી છે.

આ પણ વાંચો : Lt. General Shamsher Singh Virk : લેફ્ટનન્ટ જનરલ શમશેર સિંહ વિર્ક બન્યા ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.