Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનને લઈને વિવાદ, 100થી વધુ વિદ્યાર્થીનીઓએ કર્યો વિરોધ

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 28 Sep 2026 04:43 PM IST
Ahmedabad : સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનને લઈને વિવાદ, 100થી વધુ વિદ્યાર્થીનીઓએ કર્યો વિરોધAhmedabad : સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનને લઈને વિવાદ, 100થી વધુ વિદ્યાર્થીનીઓએ કર્યો વિરોધ

Ahmedabad

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સમગ્ર મામલો હોસ્ટેલ મેનેજમેન્ટના ધ્યાન પર લાવવામાં આવ્યો

વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ, ભોજનમાંથી જીવાત મળી આવતા સમગ્ર મામલો હોસ્ટેલ મેનેજમેન્ટના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભોજન લીધા બાદ એક વિદ્યાર્થીનીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીનીઓમાં પણ ચિંતા અને રોષ ફેલાયો હતો. ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને 100થી વધુ વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હોસ્ટેલની બહાર એકત્ર થઈ ધરણા પર બેસી ગઈ હતી અને મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દરમિયાન વિદ્યાર્થીનીઓએ વોર્ડનની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

ભોજનની ગુણવત્તા અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે

વિદ્યાર્થીનીઓ દ્વારા 'વોર્ડન, તમે એક કામ કરો, ખુરશી છોડી આરામ કરો' જેવા નારા લગાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. વિદ્યાર્થીનીઓએ ભોજન બનાવવાની અને પીરસવાની પ્રક્રિયામાં સ્વચ્છતા જાળવવામાં આવે તેમજ ભોજનની ગુણવત્તાની નિયમિત તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.

વિરોધને પગલે હોસ્ટેલ પરિસરમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીનીઓએ જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પોતાનો વિરોધ ચાલુ રાખવાની વાત કરી હતી. સમગ્ર મામલે યુનિવર્સિટી અને હોસ્ટેલ મેનેજમેન્ટ દ્વારા તપાસ કરી હકીકત બહાર લાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચો : Rajkot : બોગસ લોન કૌભાંડનો પર્દાફાશ, વધુ 15 ખેડૂતો પોલીસ સમક્ષ પહોંચ્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.