અમદાવાદને રૂ. 584 કરોડના વિકાસકાર્યોની ભેટ, 450થી વધુ કર્મચારીઓને નિમણૂક પત્રો અપાયા



Ahmedabad Development Projects
અમદાવાદને રૂ. 584 કરોડના વિકાસકાર્યોની ભેટ, 450થી વધુ કર્મચારીઓને નિમણૂક પત્રો અપાયા



Ahmedabad Development Projects
Ahmedabad Development Projects: અમદાવાદ શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ રૂ. 583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રૂ. 279.80 કરોડના 6 વિકાસકાર્યોનું લોકાર્પણ જ્યારે રૂ. 304.05 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ નવનિર્મિત આવાસોના ડ્રો યોજાયા હતા અને 450થી વધુ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર તથા આશરે 50 જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા, જનકલ્યાણ અને સમર્પણના 25 વર્ષ આગામી 7 ઑક્ટોબરે પૂર્ણ થઈ રહ્યાં છે. આ અવસરે સમગ્ર દેશમાં ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ યોજાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિના કેન્દ્રમાં હંમેશાં સામાન્ય માનવી રહ્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન અમદાવાદમાં કાંકરિયા તળાવનો કાયાકલ્પ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ તેમના વિઝનનું પ્રતીક છે. રિવરફ્રન્ટના વિકાસ માટે ઝૂંપડપટ્ટીવાસીઓને અન્યત્ર પાકાં મકાનો આપવાનો નિર્ણય તેમની રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવે છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું સ્વચ્છતા અભિયાન આજે જનઆંદોલન બન્યું છે. જ્યારે આયુષ્માન યોજના થકી સામાન્ય પરિવારોને મોંઘી સારવારના આર્થિક બોજમાંથી રાહત મળી છે.
‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે ગુજરાત ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. નીતિ આયોગના અહેવાલનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચના સ્થાને છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં મહત્વનાં તમામ પદો પર સમયસર નિમણૂક થાય તે માટે સરકાર સતત કાર્યરત છે. અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં એક જ દિવસે સર્વાધિક 450થી વધુ કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નવનિયુક્ત કર્મચારીઓને પ્રામાણિકતા સાથે ફરજ બજાવવા અપીલ કરતાં મુખ્યમંત્રીએ સ્વચ્છતા પ્રત્યે સભાનતા, ટેકનોલોજીના ઉત્તમ ઉપયોગ અને ગુણવત્તાયુક્ત કામગીરી સાથે પ્રજાસેવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.
અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે સૌનું સ્વાગત કરી આજના દિવસને અમદાવાદ મહાનગરપાલિકા માટે આનંદ અને ગૌરવનો દિવસ ગણાવ્યો હતો. તેમણે નવનિયુક્ત કર્મચારીઓને અમદાવાદ શહેરની સેવાના યજ્ઞમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ હસમુખભાઈ પટેલ સહિતના સાંસદો, ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, નવનિયુક્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





