Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ મુંબઈ પોલીસ એલર્ટ, બોલીવુડ સ્ટાર્સ માટે જાહેર કરી કડક એડવાઈઝરી

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ મુંબઈ પોલીસ એલર્ટ થઈ છે. બોલીવુડ કલાકારોને ભીડથી દૂર રહેવા, સુરક્ષા વધારવા અને જાહેર કાર્યક્રમ પહેલાં પોલીસને જાણ કરવા સૂચના આપી છે.
Nancy Shukal
Nancy Shukal
Tiger Shroff Firing: બોલીવુડ કલાકારો માટે મુંબઈ પોલીસની એડવાઈઝરીTiger Shroff Firing: બોલીવુડ કલાકારો માટે મુંબઈ પોલીસની એડવાઈઝરી

Tiger Shroff Firing: બોલીવુડ કલાકારો માટે મુંબઈ પોલીસની એડવાઈઝરી

Tiger Shroff Firing: બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલી ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ફિલ્મી કલાકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખાસ સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કલાકારોને ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા અને જાહેરમાં ફેન્સને મળતી વખતે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

તાજેતરમાં ટાઈગર શ્રોફ પર થયેલી ફાયરિંગની ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. તપાસ દરમિયાન કેટલાક લોકપ્રિય કલાકારોનાં ઘરો અને આસપાસ શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી હોવાના અહેવાલો પણ મળ્યા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે બોલીવુડ સેલિબ્રિટીઝની સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

મુંબઈ પોલીસે જાહેર કરી કડક એડવાઈઝરી

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સુરક્ષા એડવાઈઝરીની પુષ્ટિ કરી છે. પોલીસ દ્વારા મોટા પ્રોડક્શન હાઉસ અને કલાકારોના મેનેજરોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. કોઈપણ જાહેર કાર્યક્રમ, પબ્લિક અપિયરન્સ અથવા ફિલ્મના શૂટિંગનું આયોજન કરતાં પહેલાં સંબંધિત પોલીસ સ્ટેશનને તેની સંપૂર્ણ જાણકારી આપવી પડશે.

આ ઉપરાંત કલાકારોની અંગત સુરક્ષામાં તહેનાત કર્મચારીઓને પણ હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું બોલીવુડના કલાકારો કોઈ મોટા ગુનાહિત સિન્ડિકેટના નિશાના પર છે. મીડિયા રિપોર્ટ મુજબ આરોપીઓએ સુરક્ષા એજન્સીઓને ચકમો આપવા માટે કેટલાક કલાકારોનાં ઘરોની રેકી પણ કરી હતી.

સલમાન ખાનથી અમિતાભ બચ્ચન સુધી સુરક્ષામાં વધારો

આ સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને બોલીવુડના કલાકારો પણ પોતાની સુરક્ષા અંગે વિશેષ સાવચેતી રાખી રહ્યા છે. સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા વ્યવસ્થા અગાઉ કરતાં વધુ કડક કરવામાં આવી છે.

બીજી તરફ અમિતાભ બચ્ચને પણ તેમના નિવાસસ્થાન 'જલસા' ખાતે દર રવિવારે યોજાતી ફેન્સ સાથેની મુલાકાત દરમિયાન સુરક્ષાની નવી વ્યવસ્થા અપનાવી છે. હવે તેઓ ફેન્સને મળતી વખતે મજબૂત કાચના સુરક્ષા કવચનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી સીધા સંપર્કથી બચી શકાય.

ટાઈગર શ્રોફ સાથે બનેલી ઘટનાએ ફરી એકવાર બોલીવુડ સેલિબ્રિટીઝની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. હવે મુંબઈ પોલીસ કોઈપણ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સક્રિય બની છે.

આ પણ વાંચો: Amitabh Bachchan: અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્ય અંગેની અફવાઓ પર પૂર્ણવિરામ, આ તારીખથી KBC 18નું શૂટિંગ કરશે શરૂ