Ramayana: 60% શૂટિંગ પૂર્ણ છતાં ‘રામાયણ: પાર્ટ 2’માં એક વર્ષની કેમ થઈ રહી છે વાર? સિનેમેટોગ્રાફરે જણાવી હકીકત

Ramayana: ‘રામાયણ: પાર્ટ 2’નું 60 ટકા શૂટિંગ પૂર્ણ થયું છે, છતાં મોટા યુદ્ધના દૃશ્યો અને CGIના કામને કારણે ફિલ્મ દિવાળી 2028માં રિલીઝ થશે.
Nancy Shukal
Nancy Shukal
Ramayana: ‘રામાયણ પાર્ટ 2’માં કેમ લાગશે સમય?Ramayana: ‘રામાયણ પાર્ટ 2’માં કેમ લાગશે સમય?

Ramayana: ‘રામાયણ પાર્ટ 2’માં કેમ લાગશે સમય?

Ramayana: નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી જેવા કલાકારો સ્ટારર આ ફિલ્મના પ્રથમ ભાગને મળી રહેલી સફળતા બાદ હવે ફેન્સ બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.

‘રામાયણ: પાર્ટ 2’ માટે જોવી પડશે રાહ

પરંતુ ‘રામાયણ: પાર્ટ 2’ માટે દર્શકોએ અગાઉ નક્કી કરાયેલા સમય કરતાં વધુ રાહ જોવી પડશે. મેકર્સે બીજા ભાગની રિલીઝ ડેટ દિવાળી 2027થી બદલીને દિવાળી 2028 કરી છે. હવે ફિલ્મના સિનેમેટોગ્રાફર પંકજ કુમારે આ વિલંબ પાછળનું કારણ સમજાવ્યું છે.

‘રામાયણ’માં પંકજ કુમાર અને મહેશ લિમયેએ સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું છે. પંકજ કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બીજો ભાગ પ્રથમ ભાગ કરતાં વધુ ભવ્ય અને મહત્વાકાંક્ષી હશે. તેમાં મોટા પાયે યુદ્ધનાં દૃશ્યો અને કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી (CGI)નો ઉપયોગ કરવામાં આવશે.

‘રામાયણ: પાર્ટ 2’નું 60 ટકા શૂટિંગ પૂર્ણ

ફિલ્મના બીજા ભાગના કામ અંગે અપડેટ આપતાં પંકજ કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 60 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ ફિલ્મમાં દેખાડવામાં આવનારા વિવિધ કાલ્પનિક જીવો અને અન્ય પાત્રોની હલનચલન સાથે જોડાયેલા મોશન કેપ્ચરનું કામ હજુ બાકી છે. આ સિવાય પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ મોટા પાયે કરવાનું રહેશે.

રિલીઝમાં વિલંબને ગણાવ્યો યોગ્ય નિર્ણય

પંકજ કુમારના જણાવ્યા અનુસાર, ફિલ્મને વધુ સારી બનાવવા માટે રિલીઝ આગળ ધપાવવાનો નિર્ણય સમજદારીભર્યો છે. ફિલ્મ સાથે જોડાયેલી ટીમ કોઈ પણ બાબતમાં સમાધાન કરવા માગતી નથી. વધારાનો સમય મળવાથી ફિલ્મના દરેક દૃશ્ય અને તેની ઝીણવટ પર વધુ સારી રીતે કામ કરી શકાશે.

તેમને કહ્યું કે મર્યાદિત સમયમાં જે કામ શક્ય ન બને તે હવે વધુ સમય મળવાથી સારી રીતે કરી શકાશે. ખાસ કરીને મોટા યુદ્ધના દૃશ્યો અને તેની વ્યૂહરચનાને પડદા પર ભવ્ય રીતે રજૂ કરવા માટે સમય જરૂરી છે. આથી ફિલ્મની રિલીઝમાં થયેલો વિલંબ અંતિમ પરિણામને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો: Diljit Dosanjh: દિલજીત દોસાંઝે અમદાવાદના કોન્સર્ટમાં ઉઠાવ્યો 'ડબલ સ્ટાન્ડર્ડ'નો મુદ્દો, કોલ્ડપ્લેનું ઉદાહરણ આપી પૂછ્યો સવાલ