Kavi Rajendra Shukla Death : ગુજરાતી સાહિત્યના ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન, ગઝલ અને કવિતાના ક્ષેત્રે એક યુગનો અંત


Kavi Rajendra Shukla Death કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લનું નિધન
Kavi Rajendra Shukla Death : ગુજરાતી સાહિત્યના ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન, ગઝલ અને કવિતાના ક્ષેત્રે એક યુગનો અંત


Kavi Rajendra Shukla Death કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લનું નિધન
Kavi Rajendra Shukla Death : અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હૃદય સંબંધિત તકલીફને કારણે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ગુજરાતી સાહિત્યજગત અને કાવ્યપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમની અંતિમ યાત્રા આજે સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી થલતેજ સ્મશાનગૃહ સુધી નીકળશે.
રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઑક્ટોબર, 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા હતા. વર્ષ 1965માં એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે સ્નાતક થયા હતા. ત્યારબાદ વર્ષ 1967માં અનુસ્નાતકની પદવી મેળવી હતી.
શબ્દોમાં જીવંત રહેશે ઋષિકવિ
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે અધ્યાપનક્ષેત્રે સેવાઓ આપી હતી. જોકે, વર્ષ 1982માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ તેમણે પોતાનો મોટાભાગનો સમય સાહિત્યસાધના અને પરિવારને સમર્પિત કર્યો હતો. રાજેન્દ્ર શુક્લની સર્જનયાત્રામાં 'કોમલ રિષભ' અને 'અંતર ગંધાર' જેવા કાવ્યસંગ્રહોનું વિશેષ સ્થાન છે. તેમની કવિતાઓમાં આધ્યાત્મિક ચિંતન, પ્રકૃતિ, માનવીય સંવેદના અને જીવનના ગૂઢ અર્થોનો સુંદર સમન્વય જોવા મળતો હતો.
ગુજરાતી ગઝલને પરંપરાગત બંધનોથી આગળ લઈ જઈ નવી સંવેદનાઓ અને અભિવ્યક્તિ આપવાનું તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું હતું. વર્ષ 2005માં પાંચ ભાગમાં પ્રકાશિત થયેલી તેમની 'ગઝલસંહિતા' ગુજરાતી સાહિત્યની મહત્વપૂર્ણ કૃતિ બની હતી. ગઝલ ઉપરાંત તેમણે ગીતો, છાંદસ અને અછાંદસ કાવ્યોનું પણ સર્જન કર્યું હતું.
પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત
તેમની સાહિત્યસાધનાને અનેક પ્રતિષ્ઠિત સન્માન મળ્યાં હતાં. 'અંતર ગંધાર' માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક અને કવિ ન્હાનાલાલ પારિતોષિક મળ્યાં હતાં. વર્ષ 2006માં ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રકથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે 'ગઝલસંહિતા' માટે વર્ષ 2007માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. આ ઉપરાંત નરસિંહ મહેતા એવોર્ડ સહિત અનેક સન્માન તેમની સર્જનયાત્રાને મળ્યાં હતાં.
'હજો હાથ કરતાલના' જેવી રચનાઓએ રાજેન્દ્ર શુક્લને ગુજરાતી કાવ્યરસિકોના હૃદયમાં વિશેષ સ્થાન અપાવ્યું હતું. તેમની કવિતાઓ માત્ર લાગણીઓ વ્યક્ત કરતી નહોતી, પરંતુ વાચકને જીવન, અસ્તિત્વ અને આધ્યાત્મિકતાના ઊંડા પ્રશ્નો સાથે જોડતી હતી. રાજેન્દ્ર શુક્લની વિદાયથી ગુજરાતી ગઝલ અને કવિતાના ક્ષેત્રે એક યુગનો અંત આવ્યો છે. તેમનું ભૌતિક અસ્તિત્વ ભલે આપણી વચ્ચે ન રહ્યું હોય, પરંતુ તેમની શબ્દસાધના, રચનાઓ અને સાહિત્યિક વિરાસત ગુજરાતી ભાષામાં હંમેશા જીવંત રહેશે.
View post on Instagram




